કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે બે નવા મૂરતિયાઓ જોડાયા, આ બે નેતાએ દાવેદારી નોંધાવી
નવી દિલ્હી, તા.22 સપ્ટેમ્બર 2022,ગુરુવાર
ભારતના સૌથી જુના રાષ્ટ્રીય પક્ષ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ(INC)ના નવા અધ્યક્ષ માટેનું આધિકારીક જાહેરનામું આજે બહાર પાડવામાં આવી રહ્યું છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સ્પષ્ટ ના બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ટોચના કોંગ્રેસી નેતા અને રાજસ્થાનના અધ્યક્ષ અશોક ગેહલોત પર આ કળશ ઢોળાઈ શકવાની ભરપૂર સંભાવના હતી ત્યાં જ જી-23 સમૂહના જ નેતા શશિ થરૂરે પણ તૈયારી શરૂ કરતા રસાકસીનો માહોલ સર્જાયો છે.
જોકે હવે મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે વધુ બે મૂરતિયા આગળ આવી શકે છે. અહેવાલ અનુસાર જાહેરમાં રાહુલ ગાંધીના નેતૃત્વ ઉપર સવાલ ઉઠાવનાર મનીષ તિવારી પણ દાવેદારી નોંધાવી શકે છે. તેમણે પોતાની લોકસભાના સમર્થકો સાથે આ અંગે ગહન ચર્ચા-વિચારણા શરૂ કરી છે. આ સિવાય આગામી સમયમાં 25મી તારીખે તેઓ દિલ્હીમાં પણ આવીને અનેક નેતા-કાર્યકર્તાઓને મળીને દાવેદારી નોંધાવવા અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે.
માત્ર તિવારી જ નહિ પરંતુ મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને છેલ્લા 3-4 મહિનાથી કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની અટકળો ધરાવતા પૃથ્વીરાજ ચૌહાણ પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને સમગ્ર કોંગ્રેસી પરિવાર ધરાવતા ચૌહાણે જી-23ના જ નેતા ગુલામ નબી આઝાદના રાજીનામાં બાદ આરોપ લગાવ્યો હતો કે, બીજેપી સામે સવાલ કરનારા અને મોદીને તાનશાહ કહેનારી કોંગ્રેસમાં જ જનતંત્ર-ન્યાયતંત્ર નથી. આ નિવેદન બાદ નબીની રાહે ચૌહાણની એક્ઝિટ પણ નક્કી જણાઈ રહી હતી પરંતુ હવે કોંગ્રેસના જ પ્રમુખ બનવા માટે તેઓ દાવેદારી નોંધાવી તેવી શકયતા છે.