ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ માટે કપરાં ચઢાણ, દિગ્ગજ મહિલા નેતાએ મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો
Image: X
Kumari Selja Stakes Claim On CM Candidate: હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે પરંતુ ચૂંટણી પહેલા જ રાજ્યની સત્તામાં વાપસીની રાહ જોઈ રહેલી કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓ વધતી નજરે પડી રહી છે. પક્ષના વરિષ્ઠ નેતા કુમારી શૈલજાએ કોંગ્રેસને બહુમતી મળે તો મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ‘લોકોની વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે મહત્ત્વકાંક્ષાઓ હોય છે. એટલે હું મુખ્યમંત્રી તરીકે દાવો રજૂ કરું છું.’
સિરસાથી લોકસભા ચૂંટણી જીત્યાના મહિનાઓ બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના પ્રમુખ દલિત ચહેરાએ આગામી વિધાનસભા ચૂંટણી લડવાની પોતાની ઈચ્છાનો પણ સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે ‘હું રાજ્યમાં કામ કરવા માંગુ છું પરંતુ આ મામલે અંતિમ નિર્ણય હાઈ કમાન્ડ કરશે.’ કુમારી શૈલજા સિરસાથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ કોંગ્રેસના અગ્રણી દલિત નેતા ચૌધરી દલબીર સિંહના પુત્રી છે.
કુમારી શૈલજાએ જૂથવાદની વાતોને નકારી કાઢતા કહ્યું કે ‘ચૂંટણી આવે છે ત્યારે દરેક કોંગ્રેસની છાવણી તરીકે પાયાના સ્તરે કામ કરે છે. હું ખૂબ જ વ્યવહારુ છું અને તમને ખૂબ જ સ્પષ્ટ જવાબ આપીશ. કોઈ પણ સંસ્થામાં હંમેશા તણાવ અને પોતાનું સ્થાન બનાવવાની સ્પર્ધા હોય છે. તે કોઈપણ સંસ્થાનો ભાગ છે અને હંમેશા રહેશે. મહત્ત્વકાંક્ષાઓ, કામ કરવું, પોતાનું સ્થાન બનાવવાની સ્પર્ધા આ બધું જ સામાન્ય છે, પરંતુ આ માત્ર ટિકિટ જાહેર થાય ત્યાં સુધી છે. હું એ પણ કહીશ કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે દરેક વ્યક્તિ ગ્રાઉન્ડ વર્કમાં લાગી જાય છે.’
હરિયાણા કોંગ્રેસમાં અલગ અલગ છાવણીઓ એક સાથે આવશે કે કેમ આ અંગે સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું કે ‘દરેકની પોતાની મહત્ત્વકાંક્ષા હોય છે. આ કોંગ્રેસની છાવણી છે. અંતે તો દરેક વ્યક્તિ પાર્ટી માટે જ કામ કરી રહ્યા છે. ચૂંટણી પહેલા જુદા જુદા પ્રચાર કાર્યક્રમો ચલાવતા વરિષ્ઠ નેતાઓ દ્વારા જૂથવાદની વાત હું નકારું છું. આ તમામ લોકો કોંગ્રેસ માટે જ આ કરી રહ્યા છે.’
ચૂંટણી બાદ ગઠબંધનની સંભાવના પર ચર્ચા કરતા તેમણે ભારપૂર્વક કહ્યું કે ‘કોઈ ત્રિશંકુ વિધાનસભા નહીં હોય. કોંગ્રેસને શાનદાર બહુમતી મળશે. અમે ગ્રાઉન્ડ લેવલ પર લોકોના સંપર્કમાં છીએ. તેઓ સંપૂર્ણ રીતે ભાજપની વિરુદ્ધ છે. લોકસભા ચૂંટણીના પરિણામોની જેમ વિધાનસભા ચૂંટણીમાં પણ સારા પરિણામ આવશે અને અમે સરકાર બનાવીશું.’
તો કોંગ્રેસ ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરશે? આ સવાલ પર કોંગ્રેસના નેતાએ કહ્યું કે ‘પક્ષની કામ કરવાની પદ્ધતિ છે. જ્યારે તમે સરકારમાં હોવ છો ત્યારે સામાન્ય છે કે જે વ્યક્તિ સીએમ રહી ચૂક્યા હોય છે તે જ પાર્ટીનું નેતૃત્વ કરે છે પરંતુ જ્યારે તમે વિપક્ષમાં હોવ છો તો પાર્ટી કદાચ જ ક્યારેક મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે છે.’
કોંગ્રેસને બહુમત મળવાની સ્થિતિમાં શું તમે મુખ્યમંત્રી પદની રેસમાં છો? આ સવાલના જવાબ પર શૈલેજાએ કહ્યું કે ‘વ્યક્તિગત અને સામુદાયિક રીતે લોકોની પોતાની મહત્ત્વકાંક્ષાઓ હોય છે. કેમ ના હોય. જો કે તે અંગે આખરી નિર્ણય મારો પક્ષ અને હાઈ કમાન્ડ નક્કી કરશે.’