કોંગ્રેસના સંગઠનમાં થઈ શકે છે મોટા ફેરફાર, અનેક રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ-પ્રભારી બદલવાની તૈયારીમાં
Congress: કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં તેના અને I.N.D.I.A ગઠબંધનના પ્રદર્શનને સંતોષકારક ગણીને ભવિષ્ય માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ માટે જવાબદારી નક્કી કરીને સંગઠનમાં ફેરફારની તૈયારી ચાલી રહી છે, કોંગ્રેસ સૌથી પહેલા અડધા ડઝનથી વધુ પ્રદેશ અધ્યક્ષ અને કેટલાક પ્રભારી મહાસચિવોને બદલવાની તૈયારીમાં છે.
આ રાજ્યમાં નવા પ્રભારી આવી શકે
પાર્ટી હાઈકમાન્ડે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન, હરિયાણાના પરિણામોને વધુ સારા ગણ્યા છે, તેથી અહીંના પ્રદેશ અધ્યક્ષ હાલ તેમના પદ પર ચાલુ રહે તેવી શક્યતા છે. જો કે, પંજાબના રાજકારણમાં સક્રિય થવાની ઈચ્છા વ્યક્ત કરનાર રાજસ્થાનના પ્રભારી સુખજિંદર રંધાવા આ વખતે પણ લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે, તેથી તેમના સ્થાને નવા પ્રભારી આવી શકે. આ ઉપરાંત દિલ્હી અને હરિયાણાના પ્રભારી દીપક બાવરિયા અને ઓરિસ્સા અને તમિલનાડુના પ્રભારી અજોય કુમાર પાસેથી એક-એક રાજ્ય છીનવી લેવામાં આવી શકે છે.
આ રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલી શકે
આ સિવાય ચૂંટણી દરમિયાન અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા બાદ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવેલા દેવેન્દ્ર યાદવ હવે આ પદ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને પંજાબના પ્રભારીનું પદ અન્ય કોઈને આપવામાં આવે તેવી પણ સંભાવના છે. બીજી તરફ હિમાચલ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ તેમજ બંગાળના પ્રદેશ અધ્યક્ષો પર પણ તલવાર લટકી રહી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. અને બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધિર રંજનની લોકસભા ચૂંટણીમાં હાર થઈ છે.
મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ પર નજર
બીજી તરફ તેલંગાણામાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ બંને પદ સંભાળી રહેલા રેવંત રેડ્ડી અધ્યક્ષ પદ છોડી શકે છે. આ ઉપરાંત, ઝારખંડ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અને મંત્રી આલમગીર આલમની જગ્યાએ નવી નિમણૂક કરવામાં આવી શકે છે. જે મની લોન્ડરિંગના આરોપમાં જેલમાં બંધ છે. કોંગ્રેસની નજર હવે મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ પર છે, જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ત્રણ જુલાઈએ સંસદનું વિશેષ સત્ર પૂરું થયા બાદ સંગઠનમાં ફેરફારોની જાહેરાત કરવામાં આવી શકે છે.