લોકસભા-રાજ્યસભામાં વિપક્ષના એક સાથે 78 સાંસદોને સસ્પેન્ડ કરાતા ભડકી કોંગ્રેસ, જાણો જયરામ-વેણુગોપાલે શું કહ્યું
વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરાયા બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે આકરી પ્રતિક્રિયા આપી સસ્પેન્ડની ઘટનાને દેશમાં લોકશાહીની હત્યા થઈ હોવાનું જણાવ્યું છે. જ્યારે કે.સી.વેણુગોપાલે કહ્યું કે, ભાજપનું એકમાત્ર ઉદ્દેશ્ય વિપક્ષનો અવાજ દબાવવાનું છે.
નવી દિલ્હી, તા.18 નવેમ્બર-2023, સોમવાર
Parliament Winter Session : સંસદના શિયાળુ સત્ર દરમિયાન સાંસદોને સસ્પેન્ડ (MPs Suspended) કરાતા કોંગ્રેસે (Congress) આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. સસ્પેન્ડ થયેલા સાંસદોમાં કોંગ્રસ નેતા જયરામ રમેશ (Jairam Ramesh) અને કેસી વેણુગોપાલે (KC Venugopal) પણ સામેલ છે. આજે સોમવારે બંને ગૃહોમાંથી કુલ 78 સાંસદોને સસ્પેન્ડ કરાયા છે, જેમાં લોકસભામાં 33 અને રાજ્યસભાના 45 સાંસદો છે. સંસદની સુરક્ષામાં ચુક મામલે ગૃહમાં હોબાળો મચાવ્યા બાદ સાંસદોને સસ્પેન્ડ કરાયા છે. અત્યાર સુધીમાં શિયાળુ સત્ર દરમિયાન કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરાયા છે. વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરાયા બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે આકરી પ્રતિક્રિયા આપી સસ્પેન્ડની ઘટનાને દેશમાં લોકશાહીની હત્યા થઈ હોવાનું જણાવ્યું છે. જ્યારે કે.સી.વેણુગોપાલે કહ્યું કે, ભાજપનું એકમાત્ર ઉદ્દેશ્ય વિપક્ષનો અવાજ દબાવવાનું છે.
હું પ્રથમવાર આ સમ્માન (સસ્પેન્ડ) યાદીમાં સામેલ : જયરામ રમેશ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટર પર કહ્યું કે, ‘માત્ર લોકસભામાં જ નહીં, આજે રાજ્યસભામાં પણ બ્લડબાથ થયો અને 13 ડિસેમ્બર સંસદમાં થયેલી સુરક્ષા ચુક મામલે ગૃહમંત્રીનું નિવેદન માંગવા અને વિપક્ષી નેતાને બોલવાની મંજૂરી આપવાની માંગ કર્યા બાદ INDIA ગઠબંધનની પાર્ટીના 45 સાંસદોને સસ્પેન્ડ કરાયા... હં પણ મારી 19 વર્ષની કારકિર્દીમાં પ્રથમવાર આ સમ્માન યાદીમાં સામેલ છું. આ ભારતમાં લોકશાહીની હત્યા છે, (મોદી) કામ પર છે !’ એક અન્ય પોસ્ટમાં જયરામ રમેશે કહ્યું કે, ‘તાનાશાહીનું બીજું નામ મોદીશાહી છે. આ માત્ર સાંસદોનું નહીં, લોકશાહીને સસ્પેન્ડ કરી છે.’
ભાજપનો ઉદ્દેશ્ય વિપક્ષનો અવાજ દબાવવાનું : કે.સી.વેણુગોપાલ
કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) કે.સી.વેણુગોપાલે કહ્યું કે, સંસદ ચર્ચા કરવા માટે છે. પ્રજાનો અવાજ ઉઠાવતા સાંસદોને સસ્પેન્ડ કરી BJPનો એકમાત્ર ઉદ્દેશ્ય વિપક્ષનો અવાજ દબાવવાનું છે.
શિયાળુ સત્રમાં અત્યાર સુધીમાં 92 સાંસદોને સસ્પેન્ડ કરાયા
સંસદના શિયાળુ સત્રમાં અત્યાર સુધીમાં કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરાયા છે. શિયાળુ સત્રમાં આજે સોમવારે જોરદાર હોબાળો જોવા મળ્યો. હોબાળાના કારણે સંસદના બંને ગૃહોમાંથી 78 સાંસદોને સસ્પેન્ડ કરાયા. આમાંથી 33 લોકસભાના અને 45 રાજ્યસભાના સાંસદો છે. લોકસભામાંથી જે સાંસદોને સસ્પેન્ડ કરાયા છે, તેમાંથી 30 સાંસદોને આખા સત્રમાંથી સસ્પેન્ડ કરાયા છે. બાકીના 3 કે.જયકુમાર, વિજય વસંત અને અબ્દુલ ખાલિદને વિશેષાધિકાર સમિતિનો અહેવાલ ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા છે. આ ત્રણેય પર સ્પીકરના પોડિયમ પર ચઢીને સૂત્રોચ્ચાર કરવાનો આરોપ છે. આ જ રીતે રાજ્યસભામાંથી 45 સાંસદોને આજે સસ્પેન્ડ કરાયા છે. આમાંથી 34 સાંસદોને આખા સત્રમાંથી જ્યારે 11 સાંસદોને વિશેષાધિકાર સમિતિનો અહેવાલ ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા છે. આમ અત્યાર સુધીમાં બંને ગૃહોમાંથી કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરાયા છે. આમાંથી 13 લોકસભાના અને 46 રાજ્યસભાના સાંસદોનો સમાવેશ થાય છે. જોકે આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરાયા હોવાનું પહેલીવાર બન્યું નથી. અગાઉ 1989માં રાજીવ ગાંધીની સરકારમાં પણ એકસાથે 63 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા.