દિકરીઓને રડાવો, હેરાન કરો અને ઘરે બેસાડો એ BJPનું સૂત્ર, સૂરજેવાલાના કેન્દ્ર સરકાર પર આક્ષેપો
સાક્ષી મલિક મુદ્દે આજે કોંગ્રેસ પ્રવક્તા રણદિપ સૂરજેવાલાએ પત્રકાર પરિષદ યોજી હતી
ગઈકાલે સંજય સિંહ WFIની ચૂંટણીમાં જીતીને અધ્યક્ષ બનતા સાક્ષી મલિકે નિવૃતિ જાહેર કરી હતી
congress attack on Central govt : ભાજપના સાંસદ બૃજભૂષણ શરણસિંહ (Brij Bhushan Singh)ના નજીકના સંજય સિંહે ગઈકાલે ભારતીય રેસલિંગ ફેડરેશનની ચૂંટણીમાં જીત મેળવી WFIના અધ્યક્ષ બન્યા બાદ રેસલર સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં સાક્ષિ મલિકે સન્યાસની જાહેરાત કરી હતી, ત્યારે આજે કોંગ્રેસે પણ આજે પ્રત્રકાર પરિષદ યોજી હતી.
કોંગ્રેસ પ્રવક્તાએ કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા
આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે દીકરીઓને ન્યાય ન આપીને બૃજભૂષણની ધરપકડ કરવામાં આવી નહીં અને ભાજપે તમામ રમતગમત સંગઠનો (sports associations) પર કબજો કરી લીધો છે. તેમણે વધુમાં કહ્યું કે રેસલર દિકરીઓના યૌન શોષણના આરોપી ભાજપ સાંસદ બૃજભૂષણ શરણસિંહના નજીકના સંજય સિંહની ચૂંટણી જીત્યા બાદ ઓલિમ્પિક મેડલ જીતનારી રેસલર સાક્ષી મલિકની નિવૃતિ એ એક કાળો અધ્યાય છે અને ખેડૂતની દિકરીની આંખમાંથી નીકળતા આંસુ મોદી સરકારની બેશરમીનો પુરાવો છે. દિકરીઓને રડાવો, હેરાન કરો અને ઘરે બેસાડો એ ભાજપનું સૂત્ર છે. તેમણે વધુમાં કહ્યું કે દેશનું દુર્ભાગ્ય છે કે જે હરિયાળાની સાધારાણ ખેડૂત પરિવારની જે દિકરીએ પ્રથમ ઓલિમ્પિક મેડલ અપાવ્યો તેને જ ઘરે પરત જવાની ફરજ પાડી છે. રેસલર દિકરીઓ ન્યાય માટે જંતર-મંતર પર બેઠી હતી પરંતુ ભાજપ સરકારે તેમના પર દિલ્હી પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાઈ હતી પરંતુ ભાજપ સાંસદ બૃજભૂષણ શરણસિંહની ધરપકડ થઈ ન હતી.
શું છે સમગ્ર મામલો?
ભારતીય કુશ્તી મહાસંઘ એટલે કે ઈન્ડિયન રેસલિંગ ફેડરેશન (WFI)ની ગઈકાલે ચૂંટણીમાં બૃજભૂષણ શરણસિંહના નજીકના વિશ્વાસું સંજય સિંહ જીતીને અધ્યક્ષ બન્યા હતા, તેમને 40 જ્યારે પૂર્વ કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ વિજેતા અનિતા શિયોરાનને 7 મત મળ્યા હતા. આ ચૂંટણી પરિણામોને બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે નિરાશાજનક ગણાવ્યા હતા, ત્યારબાદ સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.