મહારાષ્ટ્રના પરિણામો મુદ્દે વિરોધીઓ પર ભડક્યા નાના પટોલે, કહ્યું- ‘ચૂંટણીમાં ધાંધલી થઈ, નોટના બદલે વૉટ જેહાદ કરાયું’
Nana Patole On Maharashtra Assembly Elections : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં ધાંધલી થઈ છે. અમને આશા હતી કે વૉટ અમારા પક્ષમાં આવશે. નાંદેડમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાઈ, પરંતુ અમે વિધાનસભાની બેઠક હારી ગયા અને લોકસભાની બેઠક જીતી ગયા, આ કેવી રીતે થઈ શકે? ચૂંટણીમાં ભાજપે નોટ જેહાદ અને વૉટ જેહાદનો ઉપયોગ કર્યો.
આજે એમનો દિવસ છે, કાલે અમારો દિવસ આવશે
તેમણે કહ્યું કે, મારા રાજીનામાંની થઈ રહેલી ચર્ચામાં કોઈ તથ્ય નથી અને આ અફવા છે. ચૂંટણીમાં હાર એ બધાની સામૂહિક જવાબદારી છે અને અમે બધા મળીને તેની સમીક્ષા કરીશું. ઈવીએમને લઈને અમે કોઈ વાત નથી કરી રહ્યાં. અમે જનતાની ભાવના અને નાંદેડ લોકસભા-વિધાનસભા ચૂંટણાના અંતરની વાત કરી રહ્યાં છીએ. આજે એમનો દિવસ છે, કાલે અમારો દિવસ આવશે.
એકનાથ શિંદેને પણ ભાજપ વિશે જાણ થશે
પટોલેએ કહ્યું કે, એકનાથ શિંદેને પણ ભાજપ વિશે જાણ થશે. અમે અત્યારે હારના કારણો પર ચર્ચા નહીં કરવા માંગતા. તેમણે દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રની જનતા પણ કહી રહી છે કે ભાજપની જીત અમારા વોટથી નથી થઈ, ઘણી શંકા છે. ચૂંટણી પરિણામ લોકશાહી માટે સારા નથી. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતા આ વિષય પર વાત કરશે.
આ પણ વાંચો : મેં મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષપદેથી રાજીનામું નથી આપ્યું, નાના પટોલેની સ્પષ્ટતા
વિજય વડેટ્ટીવારે પણ ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યાં
જ્યારે કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે પણ ચૂંટણી પ્રક્રિયા પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે મહાયુતિ પર નિશાનો સાધીને કહ્યું કે, અમિત શાહ જેવા ચાણક્યના હોવા છતાં પણ મહાગઠબંધનમાં શામિલ ત્રણેય પાર્ટીઓ બેઠકની વહેચણીનો વિવાદ ઉકેલી શક્યા નહીં. વિધાનસભા ચૂંટણીમાં બળવાખોરો 34 બેઠકો પર લડ્યા હતા. બીજી બાજું, અમારી વચ્ચે કોઈ દલીલ ન હતી. એક અપવાદ સાથે, અમે સાથે મળીને લડ્યા. એટલા માટે મહાયુતિની આ જીત લોકોને પચી નહી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં સસ્પેન્સ ખતમઃ ફડણવીસ બનશે CM, શિંદે-અજિત પવાર સાથે દિલ્હી જવા રવાના
તેમણે આગળ કહ્યું કે, 2014માં મોદી લહેર વખતે અમે 42 બેઠકો જીતી હતી. 2019માં પુલવામા હુમલા થયો. એ વખતે કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ ડબલ આંકડા સુધી પહોંચી શકશે નહીં. અમે 44 બેઠકો જીતી. હવે અમને 16 બેઠકો મળી ગઈ છે. વિજય વડેટ્ટીવારે કહ્યું કે, આનાથી લોકોના મનમાં પ્રશ્ન ઊભો થયો છે.