'કામ કરવાનો સમય અઠવાડિયામાં 5 દિવસ અને 8 કલાક નક્કી કરવા જોઈએ', શશિ થરૂર સંસદમાં ઉઠાવશે મુદ્દો
Congress MP Shashi Tharoor: મહારાષ્ટ્રના પુણેમાં એક જાણીતી કંપની અર્ન્સ્ટ એન્ડ યંગ (EY)ના 26 વર્ષીય મહિલા કર્મચારીના મોતના મામલાએ રાજકીય રંગ લીધો છે. કામના બોજ હેઠળ યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાના મુદ્દે અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે 26 વર્ષીય કર્મચારીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને કામના કલાકો ઘટાડવા અને અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાનું સૂચન કર્યું હતું.
'અઠવાડિયામાં 5 દિવસ કામ કરવુ જોઈએ'
કામના દબાણને કારણે થયેલા મૃત્યુથી નારાજ શશિ થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'મૃતક એના સેબેસ્ટિયન પેરાયિલના પિતા સિબી જોસેફ સાથે વાતચીત કરી હતી. કંપનીમાં સતત 14 કલાક અને સાત દિવસના તણાવપૂર્ણ કામ કર્યા પછી એનાનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી મ થયું હતું. ખાનગી હોય કે જાહેર ક્ષેત્રમાં કોઈએ દિવસમાં આઠ કલાકથી વધુ કામ ન કરવું જોઈએ. હું આગામી સત્રમાં સંસદમાં કામકાજના કલાકો નક્કી કરવાનો મુદ્દો પણ ઉઠાવશે.'
મારી દીકરીને રાત્રે 12.30 સુધી કામ કરવું પડતું હતું: સિબી જોસેફ
મૃતક એના સેબેસ્ટિયન પેરાયિલના પિતા સિબી જોસેફે કહ્યું કે, મારી દીકરીને રાત્રે 12.30 સુધી કામ કરવું પડતું હતું. અમે તેને નોકરી છોડવાની સલાહ આપી, પરંતુ તેમણે ના પાડી હતી.' મૃતકના પિતાએ એવો પણ દાવો કર્યો હતો કે કંપનીમાં કામના વધુ પડતા દબાણનો મુદ્દો અધિકારીઓ સામે ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.
જાણો શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, 26 વર્ષીય એના સેબેસ્ટિયન પેરાયિલ માર્ચ 2024માં મહારાષ્ટ્રના પુણેની EY કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે કેરળની રહેવાસી હતી. એનાનું 20મી જુલાઈના રોજ અવસાન થયું હતું. અનાની માતા અનિતા ઓગસ્ટિને EYના ઈન્ડિયા હેડ રાજીવ મેમાણીને પત્ર લખીને કંપનીની વર્ક કલ્ચર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.