સંસદમાં પણ ‘એનિમલ’નો વિરોધ, કોંગ્રેસ સાંસદ રંજીત રંજને કહ્યું- મારી પુત્રીઓ અડધી ફિલ્મે રોતા રોતા બહાર આવી ગઈ
Image Source: Twitter
- ફિલ્મ ‘એનિમલ’માં ખૂબ જ હિંસા બતાવવામાં આવી છે: સાંસદ રંજીત રંજન
નવી દિલ્હી, તા. 07 ડિસેમ્બર 2023, ગુરૂવાર
ફિલ્મ ‘એનિમલ’ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે ધૂમ મચાવી રહી છે પરંતુ તેને લઈને નકારાત્મક પ્રક્રિયાઓ પણ સામે આવી રહી છે. પહેલા સોશિયલ મીડિયા પર લોકો આ ફિલ્મમાં બતાવવામાં આવેલી હિંસાની રજૂઆતની ખુલ્લેઆમ ટીકા કરી રહ્યા હતા. પરંતુ હવે આ ફિલ્મના વિરોધના સૂર સંસદમાં સંભળાઈ રહ્યા છે. આજે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રંજીત રંજને 'સિનેમાનો યુવાઓ પર પડતા નકારાત્મક પ્રભાવ' વિષય પર પોતાની વાત રાખી હતી. તેમણે કહ્યું કે, સિનેમા એ સમાજનો દર્પણ હોય છે. આપણે સિનેમા જોઈને મોટા થયા છે અને સિનેમા આપણને બધાને પ્રભાવિત કરે છે. ખાસ કરીને તે યુવાઓના જીવનને પ્રભાવિત કરે છે. કોંગ્રેસ સાંસદ રંજીત રંજને ફિલ્મ એનિમલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ ફિલ્મમાં ખૂબ જ હિંસા બતાવવામાં આવી છે.
મારી પુત્રીઓ અડધી ફિલ્મે રોતા રોતા બહાર આવી ગઈ
રંજને રાજ્યસભામાં કહ્યું કે, સિનેમાને સમાજનો દર્પણ કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે, આજકાલ કેટલીક એવી ફિલ્મો આવી રહી છે જેમાં ખૂબ જ હિંસા બતાવવામાં આવી છે. હાલમાં જ એક ફિલ્મ એનિમલ આવી છે. તેમણે કહ્યું કે, ફિલ્મ એનિમલમાં મહિલાઓનું અપમાન અને એટલી વધારે હિંસા બતાવવામાં આવી છે કે, મારી પુત્રી અને તેની સહેલી અડધી ફિલ્મે જ રોતા રોતા થિયેટરની બહાર આવી ગઈ.
‘એનિમલ’ ફિલ્મમાં ખૂબ જ હિંસા
રંજને સંસદમાં કહ્યું કે આટલી બધી હિંસા શા માટે? કોંગ્રેસ સાંસદે કહ્યું કે મહિલાઓ સાથેના અપમાનને જસ્ટિફાય કરવું ફિલ્મ દ્વારા એ યોગ્ય નથી. મને લાગે છે કે કબીર સિંહમાં પોતાની પત્ની સાથે જે રીતે વ્યવહાર કરે છે. આ ફિલ્મમાં જે રીતે પોતાની પત્ની સાથે વ્યવહાર કરે છે અને લોકો, સમાજ અને પિક્ચર પણ તેને જસ્ટિફાય કરતી બતાવે છે તે ખૂબ જ વિચારવાનો વિષય છે.
હિંસાની યુવાઓ પર પડે છે અસર
રંજને કહ્યું કે, ઘણા બધા એવા ઉદાહરણ છે કે, આ ફિલ્મોની, હિંસાની યુવાઓ પર ખૂબ અસર પડે છે. નેગેટિવ રોલને હીરો તરીકે રજૂ કરતા 11માં 12માં ધોરણના બાળકો તેને રોલમોડલ માનવા લાગી જાય છે. આપણને સમાજમાં અનેક એ પ્રકારની હિંસા જોવા મળે છે જે ઉદાહરણો ફિલ્મમાંથી લઈને આવે છે.