રાયબરેલી માટે રાહુલ ગાંધીની 'ડબલ એન્જિન MP થિયરી', કહ્યું - 'અહીંથી પ્રિયંકા અને હું...'
Rahul Gandhi Two MP Remark: દેશમાં ચૂંટણી ગમે તે હોય પણ ડબલ એન્જિન એક એવો શબ્દ છે જે ખૂબ જ સાંભળવા મળે છે. રાજ્યની ચૂંટણીઓમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓ ડબલ એન્જિન સરકારના નારા આપે છે. તેમજ એક સમયે સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ડબલ એન્જિનને તેના પ્રચારનો મુખ્ય આધાર બનાવ્યો હતો. હવે પહેલીવાર ડબલ એન્જિનનો ઉપયોગ સરકાર માટે નહીં પણ સાંસદ માટે કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બે એમપીની થિયરી આપી છે, જેના પછી ડબલ એન્જિન એમપી ચર્ચામાં આવી ગયા છે.
રાહુલ ગાંધીની ડબલ એન્જિન MP થિયરી
રાહુલ ગાંધી ગુરુવારે તેમના સંસદીય ક્ષેત્ર રાયબરેલીના ઉંચાહારમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. ત્યાં તેમણે કહ્યું હતું કે, 'રાયબરેલી એક એવી બેઠક છે, જે સમગ્ર ભારતમાં કદાચ એકમાત્ર એવો મતવિસ્તાર છે કે જ્યાં બે સાંસદો છે. એક હું અને એક પ્રિયંકા. તેને પણ અહીં બોલાવો. ક્યારેક તમારે પ્રિયંકાને પણ આમંત્રણ આપવું જોઈએ. તે મને વાયનાડ બોલાવે છે અને હું પણ જાઉં છું. પ્રિયંકા ગાંધી પણ રાયબરેલીના સાંસદ છે, તેથી તમારે તેમને પણ અહીં આમંત્રણ આપવું જોઈએ.'
रायबरेली हमारा परिवार है और परिवार का हर हुक्म सिर माथे पर ❤️ pic.twitter.com/zePYTnqtzf
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 20, 2025
રાયબરેલીના લોકો અને પાર્ટી કાર્યકરોનો માન્યો આભાર
રાહુલ ગાંધીએ આ કાર્યક્રમમાં લોકસભા ચૂંટણીમાં સમર્થન આપવા બદલ રાયબરેલીના લોકો અને પાર્ટી કાર્યકરોનો પણ આભાર માન્યો હતો. તેમજ તેમણે રાયબરેલી સાથેના ગાંધી પરિવારના કનેક્શનનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, 'તમને જે પણ સમસ્યાઓ છે, મને જણાવો કે શું કરવાની જરૂર છે અને હું તેને પૂર્ણ કરીશ. હું હંમેશા ઉપલબ્ધ છું. તેમણે એમ પણ કહ્યું કે આ કોઈ રાજકીય સંબંધ નથી, આ પારિવારિક સંબંધ છે.'
પ્રિયંકા ગાંધીએ પણ આપી પ્રતિક્રિયા
રાહુલ ગાંધીની ટુ એમપી થિયરી પર પ્રિયંકા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીના નિવેદનનો વીડિયો X પ્લેટફોર્મ પર શેર કરતા પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે રાયબરેલી અમારો પરિવાર છે અને પરિવારનો દરેક આદેશ આમે પાડીશું.'
સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભામાં ગયા બાદ પ્રિયંકા ગાંધી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે તેવી પણ ચર્ચા હતી. જો કે, કોંગ્રેસે 2024ની સામાન્ય ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવ્યા ન હતા અને રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક તેમજ રાયબરેલીથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી દીધી હતી અને પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સાંસદ તરીકે ચૂંટાયા હતા.