કોણ છે કોંગ્રેસના સાંસદ કે. સુરેશ? જે પ્રોટેમ સ્પીકર તરીકે સાંસદોને અપાવશે શપથ
Image: Facebook |
Lok Sabha Pro-tem Speaker: દેશમાં ત્રીજી વખત એનડીએ સરકાર બન્યા બાદ લોકસભા સ્પીકર પદ અંગે વિવિધ અટકળો ચાલી રહી છે. આ અંગે એનડીએના સહયોગી પક્ષોમાં મતભેદ છે. સૂત્રોનું કહેવું છે કે લોકસભા સ્પીકરની ચૂંટણી પહેલા કોંગ્રેસના કે. સુરેશને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવશે, જેઓ સાંસદોને શપથ લેવડાવશે. ચાલો જાણીએ કોણ છે કોંગ્રેસના સાંસદ કે. સુરેશ?
કોડિકુન્નિલ સુરેશ કોણ છે?
કોડિકુન્નિલ સુરેશ એટલે કે કે. સુરેશ કેરળની મવેલિકારા લોકસભા બેઠક પરથી સાંસદ છે. તેઓ 1989થી આ બેઠક સંભાળી રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં 7 વખત સાંસદ બન્યા છે. તેઓ 2012થી 2014 સુધી કોંગ્રેસ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે. વર્ષ 2018માં તેમને કેરળ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા. તેઓ AICCના સચિવ પણ રહી ચૂક્યા છે.
કે. સુરેશે સીપીઆઈના ઉમેદવારને હરાવ્યા
લોકસભા ચૂંટણી 2024માં મવેલિકારા લોકસભા બેઠક પર કોંગ્રેસ અને સીપીઆઈ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. કોંગ્રેસના ઉમેદવાર કે. સુરેશે સીપીઆઈના ઉમેદવાર અરુણ કુમારને 10868 મતથી હરાવ્યા હતા. કે. સુરેશને 3,69,516 મત મળ્યા હતા, જ્યારે અરુણ કુમારને 3,58,648 મત મળ્યા હતા.
પ્રોટેમ સ્પીકરની જવાબદારી સોંપાશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના સાંસદ કે સુરેશને લોકસભા અધ્યક્ષની ચૂંટણી સુધી અસ્થાયી એટલે કે પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવશે. 24 જૂને સંસદનું સત્ર શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 68 વર્ષીય સાંસદ કે. સુરેશ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેશે. ત્યાર પછી તેઓ નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે.