અગ્નિવીરોને શહાદત બાદ નથી મળતો શહીદનો દરજ્જો, સરકાર સેનામાં ભાગલાં પાડે છે : અધીર રંજનના પ્રહાર
- કોંગ્રેસ જ નહીં મોટા મોટા નિષ્ણાતો અને ભૂતપૂર્વ આર્મી ચીફ પણ આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે: અધીર રંજન
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી 2024, બુધવાર
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ અગ્નિપથ યોજના અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. અધીર રંજને કહ્યું કે, પૂર્વ આર્મી ચીફ એમએમ નરવણેનું પુસ્તક 'ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની' પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ પુસ્તક બજારમાં નથી મળી રહ્યું. અધીર રંજને દાવો કર્યો છે કે, પૂર્વ આર્મી ચીફ નરવણેએ લખ્યું છે કે, અગ્નિપથ અને અગ્નિવીર યોજના ખોટી છે. કોંગ્રેસ સાંસદ ચૌધરીએ કહ્યું કે, સરકાર આ યોજના દ્વારા સેનામાં ભાગલા પાડી રહી છે.
કોંગ્રેસ સાંસદે કહ્યું કે, ધારો કે અગ્નિપથ યોજનામાં 100 લોકો પરીક્ષામાં સામેલ થયા. તેમાંથી 75ને સેનામાં જોડાવાની મંજૂરી નહીં મળશે. તેમને છૂટા કરી દેવામાં આવશે. 100માંથી 25ને જ નોકરી મળશે.
શહીદનો દરજ્જો ન મળવા પર ઉઠાવ્યા સવાલ
અધીર રંજને કહ્યું કે, અગ્નિવીરની શહાદત બાદ તેમને શહીદનો દરજ્જો આપવામાં નથી આવતો. દેશ માટે જે લોકો પોતાના પ્રાણ ન્યોછાવર કરી દે છે તેમને શહીદનો દરજ્જો આપવામાં નથી આવતો. આ કેવી રીત છે?
તેમણે કહ્યું કે, આપણી સેનામાં એક પ્રકારના ભાગલા પડી રહ્યા છે. આર્મી અને ચાર પ્રકારની નોકરીઓ. બે પ્રકારની સેના. અમે નથી ઈચ્છતા કે સેનામાં આ પ્રકારની તિરાડ પડે. અમારા માટે દરેક સમાન છે. દરેક વ્યક્તિએ દેશની રક્ષા માટે શપથ લીધા છે પછી તે અગ્નવીર હોય કે આર્મી હોય. પરંતુ અમે આ ભાગલા ક્યારેય નથી ઈચ્છતા. એટલા માટે અમે તેનો વિરોધ કરીએ છીએ. કોંગ્રેસ જ નહીં મોટા મોટા નિષ્ણાતો અને ભૂતપૂર્વ આર્મી ચીફ પણ આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે.
શું છે અગ્નિવીર યોજના ?
ભારત સરકારે 2022માં ત્રણેય સેનાઓમાં ભરતી માટે અગ્નિવીર યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ ત્રણેય સેનામાં ચાર વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. ચાર વર્ષ બાદ 75% સૈનિકોને નિશ્ચિત રકમ સાથે સેવામાંથી દૂર કરવામાં આવશે અને 25% સૈનિકો તેમની સેવા ચાલુ રાખી શકશે.