રાજ્યસભાના અધ્યક્ષ ધનખડ વિરુદ્ધ કોંગ્રેસનો અવિશ્વાસ પ્રસ્તાવ
- દેશના સંસદીય ઈતિહાસમાં પહેલી વખત વિપક્ષનું આકરું પગલું
- રાજ્યસભામાં જગદીપ ધનખડનું વર્તન ભેદભાવપૂર્ણ, સંખ્યાબળ નહીં હોવા છતાં પ્રસ્તાવ લાવવો અમારી મજબૂરી : જયરામ રમેશ
- રિજિજૂએ કહ્યું હતું વિપક્ષ લોકસભામાં અદાણીનો મુદ્દો ઉઠાવશે ત્યાં સુધી રાજ્યસભા ચાલવા નહીં દઈએ : કોંગ્રેસનો આક્ષેપ
નવી દિલ્હી : દેશના ઈતિહાસમાં પહેલી વખત વિપક્ષ ઈન્ડિયા ગઠબંધને મંગળવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પદ પરથી દૂર કરવા માટે રાજ્યસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. જગદીપ ધનખડ પર રાજ્યસભામાં ભેદભાવપૂર્ણ નીતિ અપનાવવાનો આરોપ છે. આ દરખાસ્ત પસાર કરાવવા માટે વિપક્ષને બહુમતીની જરૂર છે, પરંતુ ૨૪૩ સભ્યોના ગૃહમાં વિપક્ષ પાસે જરૂરી બહુમતી નથી. જોકે, વિપક્ષે ભારપૂર્વક કહ્યું છે કે તેઓ સંસદીય લોકશાહી માટેની લડતનો સંદેશો આપવા માટે જ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે.
વિપક્ષ તરફથી કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને નાસીર હુસૈને કોંગ્રેસ, રાજદ, તૃણમૂલ, સીપીઆઈ, સીપીઆઈ-એમ, જેએમએમ, આપ, દ્રમુક, સમાજવાદી પાર્ટી સહિતના ૬૦ સાંસદોના હસ્તાક્ષર સાથેની નોટિસ રાજ્યસભાના સેક્રેટરી જનરલ પી.સી. મોદીને આપવામાં આવી છે. વિપક્ષ બંધારણની કલમ ૬૭(બી) હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. ઈન્ડિયા ગઠબંધને આ નિયમ હેઠળ ૧૪ દિવસની નોટિસ આપી છે. દેશના ઈતિહાસમાં પહેલી વખત ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે.
જોકે, રાજ્યસભામાં વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થવાની શક્યતા નહીવત્ છે. કારણ કે અધ્યક્ષ જગદીપ ધનખરને હટાવવાનો પ્રસ્તાવ પસાર થવા માટે વિપક્ષ પાસે જરૂરી સંખ્યાબળ નથી. ઉપરાંત આ પ્રસ્તાવ રાજ્યસભામાં પાસ થઈ જાય તો પણ તેનો સ્વીકાર કરવા માટે લોકસભામાં બહુમતથી તે પસાર થવો જરૂરી છે. આ પ્રસ્તાવ પાસ થાય તો ભારતના સંસદીય ઈતિહાસમાં રાજ્યસભાના અધ્યક્ષને હટાવવાનો આ પહેલો પ્રયાસ હશે અને તેને અધ્યક્ષ માટે શરમજનક સ્થિતિ તરીકે જોવામાં આવશે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, તેઓ ઉપરાષ્ટ્રપતિ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માગતા નહોતા, પરંતુ તેમના દ્વારા અત્યંત પક્ષપાતપૂર્ણ રીતે રાજ્યસભાની કાર્યવાહી કરવામાં આવતી હોવાના કારણે ઈન્ડિયા જૂથ પાસે તેમના વિરુદ્ધ ઔપચારિક રીતે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. એક અહેવાલ મુજબ વિપક્ષી સૂત્રોનું કહેવું છે કે તેઓ ઓગસ્ટમાં ચોમાસુ સત્રમાં જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માગતા હતા. તે સમયે પણ તેમની પાસે ઈન્ડિયા બ્લોકના બધા જ પક્ષોના જરૂરી સંખ્યામાં હસ્તાક્ષર હતા, પરંતુ તેઓ વિવાદને આગળ વધારવા માગતા નહોતા અને જગદીપ ધનખરને એક તક આપવા માગતા હતા.
એક સૂત્રે કહ્યું હતું કે વિપક્ષ ઈચ્છે છે કે ગૃહ નિયમો અને પરંપરાઓ મુજબ ચાલે અને સભ્યો વિરુદ્ધ વ્યક્તિગત ટીપ્પણીઓ અસ્વીકાર્ય છે. ગૃહમાં વિપક્ષના નેતાને બોલવાની તક અપાતી નથી જ્યારે ગૃહના નેતાને બોલવાની અનેક તકો અપાય છે. છેલ્લા બે-ત્રણ દિવસથી સ્પષ્ટ થઈ ગયું છે કે સરકાર નથી ઈચ્છતી કે ગૃહ ચાલે. જયરામ રમેશે સંસદીય મંત્રી કિરણ રિજિજૂ પર આરોપ મૂક્યો કે રિજિજૂએ રાજ્યસભાના અધ્યક્ષ ધનખડ અને જેપી નડ્ડા સામે રાજ્યસભા નહીં ચાલવા દેવાની વાત કરી હતી. ફ્લોર લીડર્સની બેઠકમાં રિજિજૂએ કહ્યું હતું કે, વિપક્ષ લોકસભામાં અદાણીનો મુદ્દો ઉઠાવશે ત્યાં સુધી અમે રાજ્યસભા ચાલવા નહીં દઈએ.
ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો પ્રસ્તાવ ખેદજનક : રિજિજૂ
નવી દિલ્હી : સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હટાવવા માટે વિપક્ષ ઈન્ડિયા ગઠબંધન દ્વારા અવિશ્વાસ દરખાસ્ત લાવવાના પગલાંને નિરાશાજનક ગણાવ્યું હતું. રિજિજૂએ કહ્યું કે, આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે તો વિપક્ષે તેને પસાર કરાવવા માટે સંખ્યાબળની જરૂર પડશે, જે તેની પાસે નથી. હકીકતમાં જગદીપ ધનખડ પર વિપક્ષના આક્ષેપો આધારહીન છે. તેઓ એકદમ પ્રોફેશનલ અને નિષ્પક્ષ છે.