ઝારખંડમાં કોંગ્રેસ ધારાસભ્યો નારાજ, શું હાઈકમાન્ડની એક ભૂલ આખી સરકાર પર ભારી પડશે!
- નારાજ ધારાસભ્યોએ એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું
રાંચી, તા. 17 ફેબ્રુઆરી 2024, શનિવાર
ઝારખંડમાં થયેલી રાજકીય ઉથલ-પાથલ છતાં જૂની ટીમ પર દાવ લગાવવાની કોંગ્રેસની શીર્ષ નેતૃત્વની પહેલ આખી સરકાર પર ભારી પડી શકે છે. જ્યારે હેમંત સોરેને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે એવી પ્રબળ શક્યતા હતી કે નવા મુખ્યમંત્રી ચંપાઈ સોરેનની ટીમમાં કોંગ્રેસ તરફથી નવા ચહેરાઓનો સામેલ કરવામાં આવશે.
આ બાબત પર પાર્ટીના ધારાસભ્યો દ્વારા અગાઉથી જ દબાણ બનાવવામાં આવી રહ્યુ હતું. ધારાસભ્યોને એકજૂઠ રાખવા માટે જ્યારે હૈદરાબાદ લઈ જવાની પહેલ કરવામાં આવી ત્યારે પણ તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે, તેમની ભાવનાઓનું ધ્યાન રાખવામાં આવશે. જેના કારણે રેસમાં ચાલી રહેલા ધારાસભ્યોમાં એ આશા બંધાઈ હતી કે, ફેરબદલમાં તેમને તક આપવામાં આવશે પરંતુ શુક્રવારે જ્યારે જૂની સરકારમાં સામેલ રહેલા ત્રણ ધારાસભ્યોને જ રાજભવનમાં શપથ ગ્રહણ માટે બોલાવવામાં આવ્યા ત્યારે ચૂકી ગયેલા ધારાસભ્યોમાં હોબાળો મચી ગયો.
તાત્કાલિક લગભગ એક ડઝન ધારાસભ્યો એકઠા થઈ ગયા અને તેમણે વિરોધ પ્રદર્શન કર્યું પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. જો ભૂતકાળમાં આવી એકતા દર્શાવવામાં આવી હોત તો પરિસ્થિતિ કંઈક અલગ હોત. અગાઉ પૂર્વમાં કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો કેબિનેટમાં સ્થાન મેળવવાની લાલસામાં અલગ-અલગ લોબિંગ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં જોખમ એ હતું કે ટીમ ચંપાઈમાં એક કે બેને સ્થાન આપવાથી વધુ સમસ્યાઓ ઊભી થાત.
તે સમયે મંત્રી બનવાથી વંચિત રહી ગયેલા ધારાસભ્યો વધુ હોબાળો કરે તેવી શક્યતા હતી. આ જ કારણોસર કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ જૂની ટીમનું પુનરાવર્તન કરવું જ યોગ્ય સમજ્યું. આ અંગે અંતિમ ઘડી સુધી સસ્પેન્સ બનાવી રાખવામાં આવ્યું જેથી કોઈ પ્રકારનો અવરોધ ન આવે.
હજું પણ મળી શકે છે તક
કોંગ્રેસ નેતૃત્વએ ધારાસભ્યોને આશ્વાસન આપતા કહ્યું કે, હજુ પણ કંઈ બગડ્યુ નથી. તેઓ પરસ્પર નામ નક્કી કરી શકે છે અને વાત આગળ વધારી શકે છે. સમસ્યા એ છે કે પદ ઓછા છે અને દાવેદાર વધુ છે. જો કે, નારાજ ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ નામ આપવા માટે પહેલ કરશે.
દબાણના કારણે બૈદ્યનાથ રામનું નામ કપાયુ
લાતેહારના જેએમએમ ધારાસભ્ય બૈદ્યનાથ રામનું પાર્ટી ક્વોટામાંથી મંત્રી બનવાનુ નક્કી હતું. તેમનું નામ રાજભવનમાં પણ મોકલવામાં આવ્યું હતું પરંતુ છેલ્લી ઘડીએ કોંગ્રેસે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. સંદેશ આપવામાં આવ્યો હતો કે 12માં મંત્રીનું પદ પહેલેથી જ ખાલી છે. આ અંગે નિર્ણય લેવા માટે પરસ્પર સંમતિ અનિવાર્ય છે. કોંગ્રેસના વાંધાને ધ્યાનમાં રાખીને જેએમએમના શીર્ષ નેતૃત્વએ પ્રસ્તાવ પાછો ખેંચી લીધો.