બજારમાંથી 10, 20 અને 50 રૂપિયાની નોટો ગુમ! કોંગ્રેસે કેન્દ્રને લખ્યો પત્ર, કહ્યું- ગરીબો પરેશાન
Shortage Of Currency Notes: લોકસભામાં કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને 10, 20 અને 50 રૂપિયાની નોટોની અછત અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પત્રમાં લખ્યું કે, 'બજારમાં 10, 20 અને 50 રૂપિયાની નોટોની અછત છે જેના કારણે ગરીબોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.'
કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં લખ્યું કે, 'અહેવાલો સામે આવ્યા છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ UPI અને કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આ નોટો છાપવાનું બંધ કરી દીધું છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું તે સમજી શકાય તેવું છે. પરંતુ તેની અસર એવા લોકો પર પડી રહી છે જેઓ હાલમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા નથી. ખાસ કરીને ગ્રામીણ ભારતના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચો: ‘કઇંક મોટું થવાનું છે, જલદી નીકળો ત્યાંથી...’, અમેરિકા સહિત અનેક દેશોએ નાગરિકોને કર્યા એલર્ટ
મણિકમ ટાગોરે પત્રમાં લખ્યું કે, 'આ નિર્ણય ચલણ મેળવવાના મૂળભૂત અધિકારનું પણ ઉલ્લંઘન કરે છે. નાની નોટોની અછતના કારણે નાના ઉદ્યોગોને પણ અસર થઈ રહી છે. દૈનિક વેતન મજૂરો અને શેરી વિક્રેતાઓ માત્ર રોકડ પર આધાર રાખે છે.' તેમણે નાણામંત્રીને RBIને નાની નોટો છાપવાનું શરૂ કરવા નિર્દેશ આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત ગામડાઓમાં ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ધ્યાન આપવું જોઈએ.
દેશમાં ચાર જગ્યાએ નોટો છાપવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે,'દેશમાં ચાર જગ્યાએ નોટો છાપવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ કરન્સી મેનેજમેન્ટ આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર નોટ છાપવાનું કામ કરે છે. કરન્સી નોટ પ્રેસમાંથી બે ભારત સરકારની અને બે રિઝર્વ બેંકની માલિકીની છે. નાસિક અને દેવાસમાં ભારતીય માલિકીની નોટ પ્રેસ છે. આ ઉપરાંત મૈસુર અને સાલ્બોનીના પ્રેસની માલિકી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની છે.