ગાંધી પરિવારની પરંપરાગત બે બેઠક પર હવે કોંગ્રેસને રસ નથી? પ્રિયંકા-રાહુલ હજુ મૂંઝવણમાં

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
ગાંધી પરિવારની પરંપરાગત બે બેઠક પર હવે કોંગ્રેસને રસ નથી? પ્રિયંકા-રાહુલ હજુ મૂંઝવણમાં 1 - image


નવી મુંબઇ,તા. 19 માર્ચ 2024, મંગળવાર 

રાહુલ ગાંધીની વાયનાડથી ઉમેદવારી જાહેર કરવામાં આવી છે. અમેઠીથી મોહભંગ થવાનું કારણ 2019ની હાર ગણી શકાય, પરંતુ જો સોનિયા ગાંધી રાયબરેલીની જીતેલી બેઠક પરથી ઉંમર અને તબિયતના કારણે પાછળ રહી ગયા તો પછી આવનારી પેઢી વારસો સંભાળવા આગળ આવતાં કેમ ખચકાય છે? 

2024ની લોકસભા ચૂંટણીની નજરથી કોંગ્રેસ માટે રાયબરેલી સીટનું મહત્વ ફક્ત આજ કારણે નથી કે, ગાંધી પરિવારનો તેમની સાથે પીઢીઓનો સંબંધ છે. બીજું મોટું કારણ એ છે કે, 2019ની મોદી લહેરમાં પણ ઉત્તર પ્રદેશની 80 બેઠકોમાંથી આ એકમાત્ર બેઠકે લોકસભામાં રાજ્યમાંથી કોંગ્રેસની હાજરી જાળવી રાખી હતી. 

વિજયનું નિર્ણાયક કારણ તે વિસ્તાર પર ગાંધી પરિવારની પકડ ગણી શકાય. પરંતુ એવા સંજોગોમાં જ્યારે ઉત્તર પ્રદેશની સ્થિતિ કોંગ્રેસ માટે બહુ સાનુકૂળ જણાતી નથી, ત્યારે ગાંધી પરિવાર શા માટે પોતાનો પરંપરાગત પ્રભાવ ધરાવતી રાયબરેલી અને અમેઠી બેઠકોથી દૂર રહેવાનું મોટું જોખમ લઈ રહ્યું છે? અગાઉ એવી અટકળો હતી કે રાહુલ ગાંધી અમેઠીથી અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે. પરંતુ બંને નેતાઓ આ બેઠકો પરથી ચૂંટણી લડશે નહીં.

જીત પછી પણ સોનિયા ગાંધી રાયબરેલીથી કેમ દૂર રહી?

ગાંધી પરિવારની પરંપરાગત બે બેઠક પર હવે કોંગ્રેસને રસ નથી? પ્રિયંકા-રાહુલ હજુ મૂંઝવણમાં 2 - image

સોનિયા ગાંધી તાજેતરમાં રાજ્યસભામાં ચૂંટાયા છે. પરંતુ રાયબરેલીમાં 2019ની જીત બાદથી તેમની હાજરી નહિવત રહી છે. તે છેલ્લે રાયબરેલીમાં ક્યારે આવ્યા હતા તે પણ પ્રશ્ર્નો છે. જો કે, સોનિયા ગાંધીનુ રાયબરેલીમા ના આવવાનુ કારણ તેમની ખરાબ તબિયત હોવાનું કહેવાય છે. પણ શું આ એકમાત્ર કારણ છે? તબિયત ખરાબ હોવા છતાં તે પાર્ટીના અનેક કાર્યક્રમોમાં ભાગ લેતા જોવા મળે છે.

ચૂંટણી પછી મતો ઘટતા ગયા

રાયબરેલીમાં છેલ્લી ચાર લોકસભા ચૂંટણીના પરિણામો ચોક્કસપણે દર્શાવે છે કે, તેમની મત ટકાવારી સતત ઘટી રહી છે. 2004માં તેમને 80.49 ટકા મત મળ્યા હતા, જે 2009માં ઘટીને 72.23 ટકા, 2014માં 63.80 ટકા અને 2019માં 55 ટકા થઈ ગયા હતા. 

2019 માં લોકસભા સીટ જીતવા છતાં, 2022 ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસ રાયબરેલીની તમામ 5 વિધાનસભા બેઠકો હાર્યા હતા. આ પાર્ટી આમાંથી એક પણ બેઠક પર મુખ્ય હરીફાઈમાં ઉતરી શકી નથી.

તેના ઉમેદવારો ચાર મતવિસ્તારમાં ત્રીજા અને એકમાં ચોથા ક્રમે રહ્યા હતા. તમામ સીટો પર કોંગ્રેસનો વોટ શેર 13.2% હતો જ્યારે સપાનો વોટ શેર 37.6% અને BJPનો વોટ શેર 29.8% હતો. આ ચૂંટણીમાં સપાએ ચાર અને ભાજપે એક બેઠક જીતી હતી.

શું રાયબરેલીમાં લોકસભાની ચૂંટણીમાં ઘટી રહેલા મતો અને વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર ગાંધી પરિવારના રાયબરેલી પ્રત્યેના મોહભંગનું કારણ હોઈ શકે? 

રાયબરેલી હજુ પણ ગાંધી પરિવારના પ્રભાવ હેઠળ છે. તેમની ઓળખ આ પરિવાર સાથે જોડાયેલી છે અને અહીંના લોકોમાં આજે પણ આ લાગણી પ્રબળ છે. 2022ની વિધાનસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો અગાઉ પણ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો, પરંતુ લોકસભાની ચૂંટણીમાં મતદારોએ ગાંધી પરિવારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અલગ-અલગ મુદ્દાઓ પર લડવામાં આવે છે. 

પ્રિયંકા-રાહુલ કેમ મુંઝવણમાં?

પ્રિયંકા ગાંધી સૌપ્રથમ 1999 માં અમેઠીમાં તેમની માતા સોનિયા ગાંધી અને તેમના પિતા રાજીવ ગાંધીના અનુગામી કેપ્ટન સતીશ શર્મા માટે રાયબરેલીમાં પ્રચારમાં સક્રિય થયા હતા. 2004માં સોનિયાએ રાહુલ ગાંધી માટે અમેઠી સીટ છોડી અને રાયબરેલી ગયા.

ત્યારથી પ્રિયંકા ગાંધી રાયબરેલીના ચૂંટણી સંચાલનનું ધ્યાન રાખતી હતી. અગાઉ તેમની ભૂમિકા પારિવારિક બેઠકો અમેઠી અને રાયબરેલી સુધી મર્યાદિત હતી. 

પ્રિયંકા ગાંધી 2019 થી રાજકારણમાં ઔપચારિક રીતે સક્રિય છે. સોનિયા ગાંધી પ્રત્યક્ષ ચૂંટણીમાંથી નિવૃત્તિ લઇ ચૂક્યા છે. પરિવારની પરંપરાગત રાયબરેલી બેઠક ખાલી છે. પ્ર

દેશની પાંચમાંથી ચાર વિધાનસભા બેઠકો ધરાવતી સમાજવાદી પાર્ટી સાથે કોંગ્રેસનું ગઠબંધન છે, તો પછી રાયબરેલીના ચૂંટણી જંગમાં પ્રિયંકા કે, રાહુલ ઉતરે તેમાં મૂંઝવણનું કારણ શું હોઈ શકે?

ભાજપની તૈયારી

અલબત્ત, ગાંધી પરિવારે રાયબરેલીને મોટી રાજકીય ઓળખ આપી છે. ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં જ્યાં કોંગ્રેસની મજબૂત હાજરી છે, રાયબરેલી અને અમેઠીનું વિશેષ સ્થાન છે. પરંતુ આ બંને વિસ્તારોમાં ભાજપ છેલ્લા ઘણા સમયથી પોતાની જમીન મજબૂત કરવામાં વ્યસ્ત છે.

તેણે 2014માં અમેઠીમાં કઠિન પડકાર રજૂ કર્યો અને તેને 2019માં જીતમાં પરિવર્તિત કર્યો. 2019 માં રાયબરેલીમાં ભાજપ હારી ગયું હોવા છતાં, તેણે 2014 ની તુલનામાં સોનિયાની લીડ ઘટાડીને ખતરાની ઘંટડી વગાડી દીધી.

2014માં રાહુલ સામે હાર્યા બાદ પણ સ્મૃતિ ઈરાનીને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. 2019માં રાયબરેલીમાં સોનિયાને અસફળ પડકાર ફેંકનાર દિનેશ પ્રતાપ સિંહને યોગી કેબિનેટમાં સ્થાન આપીને મતદારોને એવો સંદેશ આપવામાં આવ્યો હતો કે, ભાજપ જિલ્લાના વિકાસને લઈને સજાગ છે.

ભાજપ, જે હંમેશા ચૂંટણીના મોડમાં રહે છે, તે તેની કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કહેવાની કોઈ તક છોડતી નથી કે, લાંબા જોડાણ પછી પણ, ગાંધી પરિવાર અમેઠી-રાયબરેલીમાં તેના વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગયો છે.  

તાજેતરની રાજ્યસભાની ચૂંટણી ટાણે ભાજપે ઉંચાહાર, રાયબરેલીના ધારાસભ્ય મનોજ પાંડે, ગૌરીગંજ (અમેઠી)ના ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહ પાસેથી ક્રોસ વોટિંગ અને અમેઠીના ધારાસભ્ય મહારાજી પ્રજાપતિને મતદાનમાંથી ગેરહાજર રાખીને સપાને મોટો ફટકો આપીને કોંગ્રેસની છાવણીમાં પણ ચિંતા પ્રસરાવી હતી.

ભાજપના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધી પરિવારને સંદેશો આપવાનો હતો કે, માત્ર ભાજપ જ નહીં પરંતુ તેના સહયોગી એસપીના બળવાખોરો પણ રાયબરેલી અને અમેઠીમાં તેમનો રસ્તો રોકવાની તૈયારી કરી રહ્યા છે.


Google NewsGoogle News