તેલંગાણાના ઇતિહાસમાં એક નવું પ્રકરણ રચાયું છે : રેવાનાથ રેડ્ડીની શપથ વિધિ પૂર્વે કોંગ્રેસ નેતાઓએ કહ્યું
- શપથ વિધિ સમયે કર્ણાટક ઉપ મુખ્યમંત્રી શિવકુમાર ઉપસ્થિત
- હું તેલંગણાનાં માતા સોનિયા અમ્મા, રાહુલ ગાંધીજી, પ્રિયંકાજી પક્ષ પ્રમુખ ખડગેજી અને સમગ્ર જનતાનો આભારી છું : રેવાનાથ રેડ્ડી
હૈદરાબાદ : તેલંગાણાના નવા મુખ્યમંત્રી પદે એ રેવાનાથ રેડ્ડીની શપથ વિધિ સમારોહ પૂર્વે કોંગ્રેસના વરિષ્ટ નેતાઓએ કહ્યું હતું કે તેલંગાણાના ઇતિહાસમાં એક નવું પ્રકરણ રચાઈ રહ્યું છે. પત્રકારો સાથેની વાતચીતમાં કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હૂડાએ કહ્યું હતું કે કોંગ્રેસનો વિજય તે પક્ષની નીતિઓનો વિજય છે. આ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકાજી અને ખડગેજીનો વિજય છે. રેવાનાથ રેડ્ડીના સંઘર્ષનો વિજય છે. મને પૂરો વિશ્વાસ છે કે, આ વિજય તેલંગાણાના ઇતિહાસમાં એક નવું પ્રકરણ શરૂ કરશે.
અન્ય કોંગ્રેસ નેતા અને સાંસદ કે સુરેશે કહ્યું હતું કે તેલંગાણાની કોંગ્રેસ સરકાર ઇલેકશન રેલીઓ સમયે આપેલાં છ વચનો પૂરાં કરશે જ. અમે કર્ણાટકમાં પાંચ વચનો આપ્યાં હતાં, જે અમે પૂરાં કર્યાં છે.
આજે સવારે કોંગ્રેસ સંસદીય પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, પક્ષના સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા હૈદરાબાદ આવી પહોંચ્યાં હતાં, અને હોટેલ તાજ ક્રિષ્નામાં ઉતર્યાં હતાં. શપથ વિધિ પૂર્વે કર્ણાટકના ઉપ મુ.મં. ડી.કે.શિવકુમાર પણ આવી પહોંચ્યા હતાં. તે સર્વે આજે બપોરે બે વાગે શુભ મુહૂર્તમાં યોજાયેલી શપથ વિધિ સમયે ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર હૈદરાબાદમાં ઠેર ઠેર અનુમુલા રેવાનાથ રેડ્ડીને અભિનંદનો આપતાં પોસ્ટરો કોંગ્રેસ પક્ષે લગાડી દીધાં હતાં. ૫૬ વર્ષના તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના (ટીપી સીપી)ના પ્રમુખ એ. રેવાનાથ રેડ્ડીએ અહીંના લાલ બહાદૂર શાસ્ત્રી સ્ટેડીયમમાં રાજ્યના મુખ્યમંત્રીના શપથ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૪નાં આંધ્ર પ્રદેશમાંથી છૂટા પડી રચાયેલાં તેલંગાણા રાજ્યમાં રાજ્યની રચના પછી પહેલી જ વાર કોંગ્રેસ વિજયી બની છે.
રાજ્યની રચના થઇ ત્યારથી તે સમયે કે. ચંદ્રેશેખર રાવની તેલંગાણા રાષ્ટ્ર સમિતિનું શાસન હતું. આ તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ પછીથી નામબદલી બી.આર.એસ. (ભારત રાષ્ટ્ર સમિતિ) તરીકે આગળ આવી તેનું આ ચૂંટણી સુધી રાજ્યમાં શાસન હતું. પરંતુ આ વિધાનસભા ચૂંટણીમાં ગૃહની ૧૧૯ બેઠકો પૈકી ૬૪ બેઠકો મેળવી કોંગ્રેસે સત્તા હાથ કરી છે. જ્યારે બી.આર.એસ.ને ૩૯ બેઠકો જ મળી છે. બુધવારે સવારે રેવાનાથ રેડ્ડી દિલ્હી પહોંચ્યા હતા અને પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને મળ્યા હતા.
આ શપથવિધિ પૂર્વે અનુમુલા રેવાનાથ રેડ્ડીએ ઠ ઉપર કરેલાં પોસ્ટમાં જણાવ્યું હતું કે હું તેલંગાણાનાં માતા સોનિયા અમ્મા, રાહુલ ગાંધીજી, પ્રિયંકાજી અને પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેજી તેમજ સમગ્ર જનતાનો આભારી છું.