હિમાચલમાં પૂર્વ CMના દીકરાનો બળવો, રાજીનામું આપતાં કોંગ્રેસ મુશ્કેલીમાં, ભાજપના 15 MLA સસ્પેન્ડ
ભારે હોબાળાને પગલે વિધાનસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી
Himachal Pradesh Politics News | હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી રાજકીય ઉઠાપટકનો દોર શરૂ થઇ ગયો છે. આ સૌની વચ્ચે વીરભદ્ર સિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહે સીએમ સુખ્ખુના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે મેં પ્રિયંકા ગાંધી અને ખડગેને આ મામલે જાણ કરી દીધી છે. ક્યારેક ક્યારેક કઠોર નિર્ણયો લેવા પડે છે અને વર્તમાન સ્થિતિને જોતાં હું આ સરકારમાં રહી શકું તેમ નથી.
ધારાસભ્યોની ફરિયાદોનો નિકાલ ન આવ્યો
વિક્રમાદિત્યએ કહ્યું કે અમે હંમેશા ટોચના નેતૃત્વનું સન્માન કર્યું છે અને મુખ્યમંત્રીને પણ માન આપ્યું છે પણ ધારાસભ્યોની ફરિયાદોનો ક્યારેય નિકાલ ન આવ્યો. ધારાસભ્યોની અવગણનાને પગલે જ અમે રાજ્યસભાની ચૂંટણી હારી ગયા. તેમણે કહ્યું કે મારી નિષ્ઠા પાર્ટી સાથે છે એટલા માટે મુક્તમને બોલી રહ્યો છું. વિક્રમાદિત્ય સુખ્ખુ સરકારમાં કેબિનેટ મંત્રી હતા.
પિતાને યાદ કરતાં ભાવુક થયા
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિક્રમાદિત્ય સિંહ પોતાના પિતાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. તેમણે પિતાની સરખામણી છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર સાથે કરી હતી. તેમણે કહ્યું કે આખી ચૂંટણી વીરભદ્ર સિંહના નામે લડાઈ હતી. ભારે હૃદય સાથે મારે કહેવું પડે છે કે હિમાચલમાં જે વ્યક્તિના કારણે કોંગ્રેસની સરકાર બની હતી તેમની પ્રતિમા સ્થાપિત કરવા માટે શિમલાના મોલ રોડ પર 2 યાર્ડ જમીન પણ આપવામાં આવી નથી. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે જે સંજોગોમાં 2022ની ચૂંટણી યોજાઈ હતી, તેમાં વિપક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રી અને પ્રતિભા સિંહે સંયુક્ત પ્રયાસો કર્યા હતા. ત્યારે ચૂંટણીમાં વીરભદ્ર સિંહના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ વીરભદ્રના ફોટાનો ઉપયોગ કરીને જાહેરાતો દ્વારા જનતા પાસેથી મત માંગ્યા હતા. મને ક્યારેય કોઈ પદની ઈચ્છા નહોતી.
ભાજપના 15 ધારાસભ્યો સસ્પેન્ડ
હિમાચલ પ્રદેશની વિધાનસભામાં ભારે હોબાળાની સ્થિતિને પગલે સ્પીકરે વિપક્ષના નેતા જયરામ ઠાકુર સહિત ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. તેની સાથે જ વિધાનસભાની કાર્યવાહી પણ 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.