ગૃહ મંત્રી હોવા છતાં કાશ્મીર જતાં ડરતા હતા કોંગ્રેસના આ નેતા, કહ્યું- 'લાલચોક પર હું ભયભીત થઈ જતો’
Sushil Kumar Shinde Statements On Kashmir: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેનું એક નિવેદન ખૂબ જ ચર્ચામાં છે. તેમણે કહ્યું કે, તેઓ જ્યાં સુધી ગૃહ મંત્રી હતા, ત્યારે મને કાશ્મીર જવાની સલાહ આપવામાં આવતી હતી, પરંતુ આમ કરવાથી મને ભય લાગતો હતો. રાશિદ કિદવઈના એક પુસ્તક વિમોચન પર સુશીલ શિંદેએ આ નિવેદન આપ્યું છે.
આ કાર્યક્રમમાં સુશીલ શિંદેએ જણાવ્યું કે, ‘જ્યારે હું ગૃહમંત્રી હતો, ત્યારે મને કોઈએ સલાહ આપી હતી કે, તમે અહીં-ત્યાં ભટકશો નહીં, પરંતુ લાલ ચોક જઈ ભાષણ આપો. લોકોને મળો, ડાલ લેકની મુલાકાત લો. આમ કરવાથી ત્યાંના લોકોને લાગશે કે, આ કેટલા સારા ગૃહમંત્રી છે કે, જે ડર્યા વિના કાશ્મીર આવે છે, તેનાથી લોકપ્રિયતા વધશે, પરંતુ વાસ્તવમાં મને ખૂબ જ ભય લાગતો હતો.’
સુશીલ શિંદેએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને દિગ્વિજય સિંહ જેવા દિગ્ગજ નેતાઓની હાજરીમાં આ નિવેદન આપ્યું હતું.
ભાજપે કર્યા પ્રહાર
પૂર્વ ગૃહમંત્રીના આ નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. બીજેપી પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, 'કોંગ્રેસે શિંદેના શબ્દો પર ધ્યાન આપવાની જરૂર છે. યુપીએ યુગના ગૃહમંત્રી સુશીલ શિંદેએ સ્વીકાર્યું કે તેઓ જમ્મુ-કાશ્મીર જવાથી ડરે છે. પરંતુ આજે રાહુલ ગાંધીને તમે સરળતાથી કાશ્મીરમાં ભારત જોડો યાત્રામાં જોઈ શકો છો. પરંતુ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના સમયે આ શક્ય ન હતું. તેઓ જમ્મુ-કાશ્મીરને ફરી આતંકના દિવસોમાં લઈ જવા માંગે છે.
મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?
આ કાર્યક્રમ દરમિયાન શિંદેના વખાણ કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 'અમે પોતાને અનુસૂચિત જાતિ કહીને ક્યારેય કોઈ પાસેથી કંઈ નથી માગતા. શિંદેએ મહારાષ્ટ્ર માટે 9 બજેટ રજૂ કર્યા, જ્યારે આજકાલ દર એક કે બે વર્ષે બજેટ બદલાય છે. શિંદે લાઇમલાઇટમાં આવવા માગતા હતા, પરંતુ કોઈએ તેની નજીક જવા દીધા નહીં, કારણ કે તેઓ અછૂત હતા. જોકે બંધારણના વખાણ કરતાં કહ્યું કે તેના દ્વારા લોકોને સાંસદ અને ધારાસભ્ય બનવાની તક મળી, નહીંતર તેઓ પોલીસ કોન્સ્ટેબલ અથવા મિલોમાં કામદાર બનીને રહી ગયા હોત. વધુમાં, દિગ્વિજય સિંહે પણ શિંદેના વખાણ કરતાં કહ્યું કે ગૃહમંત્રી તરીકે તેમણે ઉત્તર પૂર્વથી લઈને કાશ્મીર સુધી આતંકવાદ સામે મજબૂતીથી લડત આપી હતી.