ફરી પેગાસસનું ભૂત ધૂણ્યું: અમેરિકન કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસે કેન્દ્રને પૂછ્યા સવાલ
Pegasus Spying Case Latest News: પેગાસસ સ્પાઈવેર મામલે ફરી એકવાર કોંગ્રેસે મોદી સરકારને ઘેરી લીધી છે. કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ મોદી સરકારને અનેક પ્રશ્નો કરતાં જવાબો માગ્યા છે. હાલમાં જ અમેરિકાની એક કોર્ટે ઈઝરાયલના એક એનએસઓ ગ્રૂપને દોષિત ઠેરવતાં ભારતમાં ફરી આ મામલો વકર્યો છે.
ઈઝરાયલના એનએસઓ દ્વારા ડિવાઈસમાં પેગાસસ સ્પાઈવેર દાખલ કરી 1400 લોકોની માહિતી હેક કરવાનો આરોપ હતો. આ 1400 વોટ્સએપ યુઝર્સમાં 300 ભારતીયો સામેલ હતાં. પીડિતોમાં ભારતમાંથી પત્રકારો, રાજકારણીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને સરકારી અધિકારીઓ સામેલ છે. એનએસઓ ગ્રૂપે વારંવાર કબૂલ્યું હતું કે, આ ડીલ માત્ર સરકાર અને સરકારી એજન્સીઓ સાથે થઈ હતી. જો કે, ભારત સરકાર આ આરોપોને સતત ફગાવી રહી છે. હવે અમેરિકાની કોર્ટે એનએસઓ ગ્રૂપને દોષિત ઠેરવતાં વિપક્ષ દ્વારા ફરી પાછા આકરા પ્રહારો સાથે સત્ય બહાર લાવવા માગ ઉઠી છે.
મોદી સરકારને પૂછ્યા સવાલો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં સુરજેવાલાએ મોદી સરકારને પ્રશ્નો પૂછ્યા છે કે, પેગાસસ સ્પાયવેર મામલે આ ચુકાદો સાબિત કરે છે કે, ગેરકાયદે સ્પાયવેર રેકેટેમાં ભારતીયોના 300 વોટ્સએપ નંબર્સને હેક કેવી રીતે બનાવવામાં આવ્યા. જે 300 લોકો ભોગ બન્યા છે, તે કોણ છે, બે કેન્દ્રીય મંત્રી કોણ છે? ત્રણ વિપક્ષના નેતા, બંધારણના અધિકારી અને પત્રકાર કોણ છે, બિઝનેસમેન કોણ છે?
ભાજપ સરકારે કેવી માહિતી મેળવી?
સૂરજેવાલાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ સરકાર અને એજન્સીઓએ આ હેકિંગથી કેવી જાણકારી મેળવી છે. તેનો શું ઉપયોગ કરી રહ્યા છે, તેના બદલ વર્તમાન સરકારમાં રાજકીય-કાર્યકારી અને અધિકારીઓ તેમજ એનએસઓની માલિકીની કંપની વિરૂદ્ધ ફરિયાદ નોંધાશે કે કેમ?
સુપ્રીમ કોર્ટની કાર્યવાહી પર પણ સવાલો
સૂરજેવાલાએ સવાલો કર્યા છે કે, સુપ્રીમ કોર્ટ મેટા બનામ એનએસઓ કેસમાં અમેરિકી કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને ધ્યાનમાં લેશે કે નહીં? શું સુપ્રીમ કોર્ટ 2021-22માં પેગાસસ સ્પાયવેર પર ટેક્નિકલ એનાલિસ્ટની કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને જાહેર કરશે. શું સુપ્રીમ કોર્ટ મેટા પાસે લિંક થયેલા 300 નંબરના નામ માગશે?
શું છે કેસ
વોટ્સએપે 2019માં એનએસઓ વિરૂદ્ધ કેસ કરી મનાઈ હુકમ જાહેર કરી દંડ ચૂકવવાની માગ કરી હતી. એનએસઓ પર છ મહિના અગાઉ ભોગ બનનારા લોકોની ડિવાઈસમાં પેગાસસ સ્પાયવેર ઈન્સ્ટોલ કરવા વોટ્સએપ સર્વરનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મૂકાયો હતો. જેમાં તે અંદાજે 1400 લોકો પર નજર રાખી રહી હતી. 20 ડિસેમ્બર, 2024ના રોજ અમેરિકાની કોર્ટે વોટ્સએપની તરફેણમાં ચુકાદો આપતાં ઈઝરાયલના એનએસઓ ગ્રૂપને સજા ફટકારી છે.