કોંગ્રેસ નેતા સૂરજેવાલાનું હેમામાલિની પર આપત્તિજનક નિવેદન: ભાજપ નેતા ભડક્યાં, કંગનાએ પણ સાધ્યું નિશાન

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસ નેતા સૂરજેવાલાનું હેમામાલિની પર આપત્તિજનક નિવેદન: ભાજપ નેતા ભડક્યાં, કંગનાએ પણ સાધ્યું નિશાન 1 - image


Lok Sabha Elections 2024: કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે (Supriya Shrinate) કંગના રણૌત પર ટિપ્પણી કર્યા બાદ હવે કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ હેમા માલિની પર વિવાદિત ટિપ્પણી કરતા હોબાળો મચી ગયો છે.  કંગના રણૌતે પણ સુરજેવાલાના નિવેદનનો વીડિયો શેર કરીને કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતાની ટિપ્પણી પર હેમા માલિનીએ પણ પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસ નેતા અભદ્ર ટિપ્પણી કરીને વિવાદમાં ફસાયા

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા ભાજપ સાંસદ હેમા માલિની વિરુદ્ધ કથિત રીતે અભદ્ર ટિપ્પણી કર્યા બાદ વિવાદમાં ફસાયા છે. તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે ભાજપના નેતાઓ તેમના પર સતત પ્રહારો કરી રહી છે. વધી રહેલા વિવાદને જોતા સુરજેવાલાએ આજે સ્પષ્ટતા આપી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મારો ઈરાદો ક્યારેય અભિનેત્રીનું અપમાન કરવાનો નહોતો. ઉલ્લેખનીય છે કે, ભાજપના આઈટી વિભાગના વડા અમિત માલવીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કોંગ્રેસ નેતા હેમા માલિની પર અભદ્ર ટિપ્પણી કરતા જોવા મળે છે. આ વિવાદ પર હેમા માલિનીએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ નેતાઓ માત્ર પ્રખ્યાત લોકોને જ ટાર્ગેટ કરે છે કારણ કે જે લોકો ફેમસ નથી તેવા લોકોને ટાર્ગેટ કરીને તેમને કોઈ ફાયદો નહીં થાય. અભિનેત્રીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાન મોદી પાસેથી મહિલાઓનું સન્માન કરવાનું શીખવું જોઈએ.

કંગનાએ પણ પ્રતિક્રિયા આપી

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકના ઉમેદવાર કંગનાએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સુરજેવાલાના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. કંગનાએ કહ્યું કે પ્રેમની દુકાન ખોલવાની વાત થઈ હતી. પરંતુ કોંગ્રેસે નફરતની દુકાન ખોલી છે. મહિલાઓ પ્રત્યે અધકચરા વિચારો ધરાવતા કોંગ્રેસના નેતાઓ હારની નિરાશા અને હતાશાને કારણે દિન-પ્રતિદિન પોતાનું ચારિત્ર્ય બગડી રહ્યા છે. નોંધનીય છે કે કોંગ્રેસ નેતા સુપ્રિયાએ સોશિયલ મીડિયામાં કંગના પર એક વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. આ અંગે ચૂંટણી પંચે નોટિસ પણ જાહેર કરી હતી. જો કે સુપ્રિયાએ આ મામલે માફી પણ માંગી હતી.

શું બોલ્યા હતા સુરજેવાલા?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલાએ કૈથલના ફરલ ગામમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે, “અમને લોકો ધારાસભ્ય, સાંસદ કેમ બનાવે છે. અમે હેમા માલની તો નથી કે અમને ચાટવા માટે બનાવે છે. જો કે, આ ટિપ્પણી બાદ સુરજેવાલાએ આ મામલે સ્પષ્ટતા કરીને ભાજપ પર આરોપો લગાવ્યા હતા.

વિવાદિત ટિપ્પણી પર સુરજેવાલાની સ્પષ્ટતા

સુરજેવાલાએ ભાજપ પર વળતા પ્રહાર કરીને અનેક આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ નેતા દ્વારા શેર કરવામાં આવેલ વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. આ બધું ભારતના બંધારણને નષ્ટ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. સુરજેવાલાએ વધુમાં કહ્યું કે, 'ભાજપના આઈટી સેલને હેકિંગ, વિકૃત, નકલી અને ખોટી વસ્તુઓ ફેલાવવાની આદત પડી ગઈ છે, જેથી તેઓ મોદી સરકારની યુવા વિરોધી, ખેડૂત વિરોધી, ગરીબ વિરોધી નીતિઓ અને નિષ્ફળતાઓ અને બંધારણને ખતમ કરવાના ષડયંત્રથી દેશનું ધ્યાન ભટકાવી શકે છે.' આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે આખો વિડિયો સાંભળો – મેં કહ્યું હતું કે, 'અમે હેમા માલિનીજીનું પણ ખૂબ સન્માન કરીએ છીએ. કારણ કે તેના લગ્ન ધર્મેન્દ્રજી સાથે થયા છે, તે અમારી વહુ છે.'

કોંગ્રેસ નેતા સૂરજેવાલાનું હેમામાલિની પર આપત્તિજનક નિવેદન: ભાજપ નેતા ભડક્યાં, કંગનાએ પણ સાધ્યું નિશાન 2 - image


Google NewsGoogle News