રાહુલ ગાંધી પહોંચે તે પહેલાં જ મણિપુરના આ વિસ્તારમાં ધુંઆધાર ફાયરિંગ
Rahul Gandhi Manipur Assam Visit : કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે આસામ અને મણિપુરના પ્રવાસે છે. સૌથી પહેલાં તે આસામના સિલચર પહોંચ્યા. અહીં મણિપુરના પૂર્વ સીએમ ઓકરામ ઇબોબી સિંહે એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. અહીંથી તેઓ મણિપુર જવા માટે રવાના થશે પરંતુ તે પહેલાં જિરીબામ જિલ્લામાં જોરદાર ગોળીબારી થઇ છે. મળતી માહિતી અનુસાર લગભગ 3 કલાક સુધી ફાયરિંગ થયું હતું.
જિરીબામના ગુલારથલ વિસ્તારમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ સોમવારે મોડી રાત્રે 3.30 વાગે ફાયરિંગ કરવાનું શરૂ કરી દિધું હતું. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા જવાનોએ પણ ફાયરિંગ કર્યું હતું. જોકે આ ફાયરિંગમાં હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ફાયરિંગ સવારે 7 વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. આ ઘટના બાદ આસપાસના રહેણાંક વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે.
મણિપુરમાં હિંસા પ્રભાવિત લોકોને મળશે
આસામ બાદ રાહુલ ગાંધી મણિપુરના પ્રવાસે જશે. મણિપુરના જિરીબામ, ચુરાચાંદપુર અને ઇમ્ફાલમાં હિંસા પ્રભાવિત લોકો સાથે વાતચીત કરશે. આ ઉપરાંત રાહત છાવણીની મુલાકાત લેશે અને પીસીસી નેતાઓને પણ મળશે. લોકસભા ચુંટણીમાં સમર્થન માટે જનતાનો આભાર વ્યક્ત કરશે. મણિપુરની બંને સીટો પર કોંગ્રેસને જીત મળી હતી. રાહુલ ગાંધી ત્રણવાર મણિપુરની મુલાકાત લઇ ચૂક્યા છે જ્યારે પૂર્વોત્તરમાં વિરોધ પક્ષના નેતાના રૂપમાં આ પ્રથમ પ્રવાસ છે.
મણિપુરમાં લગભગ 1 વર્ષથી નાની મોટી હિંસાઓ બનતી રહે છે. તાજેતરમાં 6 જૂને હિંસાની ઘટના બની હતી. રાહુલ ગાંધીએ લોકસભામાં પણ મણિપુર હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે પીએમ મોદી દરેક જગ્યાએ જાય છે પરંતુ મણિપુર ગયા નથી. ગત 3 મેના રોજ જાતિય હિંસા બાદ મણિપુરમાં 200થી વધુ લોકોના મોત થયા છે અને હજારો બેઘર બન્યા છે.
મણિપુરમાં હિંસા ત્યારે ભડકી હતી જ્યારે મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ (એસટી) માં સામેલ કરવાની માંગના વિરોધમાં રાજ્યના પહાડી જિલ્લામાં આદિવાસીએ માર્ચનું આયોજન કર્યું હતું. મણિપુરમાં જાતિય હિંસાને શાંત કરવા માટે અનેક પ્રયત્નો બાદ પણ હજુ મુદ્દો ગંભીર છે. અવાર-નવાર અહીં ગોળીબારીની ઘટનાઓ સામે આવે છે.