દિવાળીએ પેઇન્ટર બન્યા રાહુલ ગાંધીઃ રાજીવ ગાંધીને યાદ કરી થયાં ભાવુક, કહ્યું- 'અહીં પિતાનું મોત...'
Rahul Gandhi Video: લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી અવારનવાર વીડિયો શેર કરતાં રહે છે. રાહુલ ગાંધીએ થોડા સમય પહેલાં પણ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓએ ઘરને સુંદર બનાવનાર પેઇન્ટર અને દીવા બનાવનાર કુંભાર સાથે વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી પોતે પણ પેઇન્ટરની ભૂમિકામાં જોવા મળ્યા હતાં. વીડિયોમાં તે પુટ્ટી કરતા જોવા મળે છે. રાહુલ ગાંધીનો આ પ્રયાસ પેઇન્ટર અને કુંભારના જીવનમાં પડતી મુશ્કેલીઓને જાણવા માટેનો હતો.
રાહુલ ગાંધીએ પિતાને યાદ કરી શું કહ્યું?
આ વીડિયોમાં રાહુલ ગાંધી કહે છે કે, મારા પિતાની મૃત્યુ અહીં થઈ હતી, તેથી હું આ ઘરનો ખૂબ પ્રશંસક છું. જણાવી દઈએ કે, રાહુલ ગાંધીની માતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી આ બંગલામાં વર્ષોથી રહે છે. યુપીએ સરકાર દરમિયાન આ ઘર સત્તાનું કેન્દ્ર હતું.
રાહુલ ગાંધીએ આશરે 9 મિનિટનો વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું, 'એક દિવાળી એમની સાથે, જેમની મહેનતથી રોશન છે ભારત.' આ વીડિયોમાં વાયનાડથી પેટા ચૂંટણી લડી રહેલી તેમની બહેન પ્રિયંકા ગાંધી પોતાના દીકરા રેહાન સાથે જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ દિગ્ગજ મુખ્યમંત્રીની વય અંગે છંછેડાયો વિવાદ, પાંચ વર્ષમાં ઉંમર સાત વર્ષ વધી જતા હોબાળો!
વીડિયો શેર કરી લોકોને દિવાળીની શુભકામના પાઠવી
વીડિયોની શરૂઆતમાં રાહુલ ગાંધી કહે છે, 'સામાન્ય રીતે આપણે દિવાળી ઉજવીએ ત્યારે એવા લોકો સાથે વાત નથી કરતાં, જે આપણાં ઘરમાં ખુશીઓ લાવે છે. હું આજે તેમની સાથે વાત કરી તેમની મુશ્કેલીઓ જાણવા ઈચ્છું છું.' આ વીડિયો દ્વારા રાહુલ ગાંધી અને તેમના ભાણેજે દેશવાસીઓને દિવાળીની શુભકામના પણ આપી.