'ઢોંગી બાબાની ધરપકડ કરો..' હાથરસ કાંડના પીડિતોની માગ, રાહુલ ગાંધી સાથે થઇ મુલાકાત
Image : Twitter |
Hathras Accident: હાથરસમાં મચેલી નાસભાગમાં લગભગ 121 લોકોએ જીવ ગુમાવતાં આખા ભારત સહિત દુનિયાભરમાં આ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. આ મામલે પોલીસે ગઈકાલે જ લગભગ 6 જેટલાં સેવાદારોની ધરપકડ કરી હતી પરંતુ ભોલે બાબા વિરુદ્ધ ન તો એફઆઈઆર થઇ કે ન તો તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી. આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભામાં વિપક્ષના લીડર રાહુલ ગાંધી હાથરસ પીડિતોની મુલાકાત લેવા પહોંચી ગયા હતા. આજે તેમની હાથરસમાં પીડિતો સાથે મુલાકાત થઇ હતી. જ્યાં પીડિતોએ તેમની સામે માગ કરી હતી કે ઢોંગી બાબાની ધરપકડ કરવામાં આવે.
ક્યાં ક્યાં પહોંચ્યા રાહુલ ગાંધી
અલીગઢના પીલખનામાં નાસભાગ પીડિત પરિવાર સાથે મુલાકાત કરીને તેમની પીડાઓ જાણવાનો પ્રયાસ કર્યા બાદ રાહુલ ગાંધી હાથરસના નવીપુર ખુર્દ પહોંચ્યા હતા. અહીં તેમણે પીડિતોને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું. રાહુલ ગાંધી સામે આ મુલાકાત દરમિયાન પીએમ મોદી સામે લોકસભા ચૂંટણી લડનારા દિગ્ગજ કોંગ્રેસી નેતા અજય રાય પણ હાજર હતા. રાહુલે પીડિત પરિવારો સાથેની મુલાકાતમાં સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : હાથરસ દુર્ઘટનામાં સર્જાયેલી નાસભાગની ચાર થિયરી
પોલીસે મોટી કાર્યવાહી કરી
હાથરસ દુર્ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં આયોજક સમિતિ સાથે સંકળાયેલા છ સેવાદારની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના મુખ્ય આયોજક-મુખ્ય સેવકની ધરપકડ કરવા માટે 1 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં ઉપેન્દ્ર, મંજુ યાદવ, મુકેશ કુમારનો સમાવેશ થાય છે. અલીગઢના આઈજી શલભ માથુરે ઘટના અંગે જણાવ્યું હતું કે 'આરોપીઓની ઓળખ અને ધરપકડ કરવા માટે ઝોન સ્તરે તમામ જિલ્લાઓમાં એસઓજીની ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમજ સ્થળ પરથી મળેલા પુરાવાઓને તપાસનો ભાગ બનાવવામાં આવી રહ્યા છે.