40નું લસણ 400 રૂપિયામાં મળે છે... રાહુલ ગાંધી મહિલાઓ સાથે શાકમાર્કેટ પહોંચ્યા, મોંઘવારી મુદ્દે સરકાર પર પ્રહાર
Rahul Gandhi Blame On Govt For Inflation: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કેન્દ્ર સરકારને મોંઘવારી મુદ્દે આકરા પ્રહાર કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે દિલ્હીના ગિરીનગરની સામે હનુમાન મંદિરના શાકમાર્કેટનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પોસ્ટ કરતાં તેમણે કહ્યું છે કે, લસણનો ભાવ એક સમયે રૂ. 40 હતો, જે આજે રૂ. 400 પ્રતિ કિગ્રા છે. વધતી મોંઘવારીએ સામાન્ય પ્રજાનું બજેટ ખોરવી નાખ્યું છે. સરકાર કુંભકર્ણની માફક ઊંઘે છે.
રાહુલ ગાંધી છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં મોંઘવારીના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ શાકમાર્કેટમાં જુદી-જુદી શાકભાજીના ભાવ પૂછી રહ્યા છે. અહીં રાહુલ ગાંધી સાથે અમુક મહિલાઓ પણ છે. આ દરમિયાન એક મહિલા કટાક્ષ કરે છે કે, દેશમાં સોનું સસ્તુ હશે પરંતુ લસણ નહીં.
દર વર્ષે મોંઘવારીમાં વધારો
આ વીડિયોમાં એક મહિલા કહેતી સંભળાય છે કે, એક સમયે બીટ રૂ. 30-40 પ્રતિ કિગ્રાના ભાવે મળતું હતું, જે આજે 60 રૂપિયે કિલો મળે છે. વટાણા પણ 120 રૂપિયે કિલો થયા છે. રાહુલ ગાંધીને મહિલાઓ ફરિયાદ કરે છે કે, મોંઘવારી દર વર્ષે વધી રહી છે. જેનાથી આર્થિક ખેંચ પડી રહી છે. જીએસટીના લીધે ઘણી ચીજોના ભાવ પણ વધ્યા છે.
વાત એમ છે કે, દિલ્હીમાં ફેબ્રુઆરી 2025માં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ કારણસર રાહુલ ગાંધી સક્રિય થઈ ગયા છે. કોંગ્રેસ સહિતના નેતાઓએ આંબેડકર મુદ્દે પણ પણ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ફરી ભાજપ ભીંસમાં: બંગલાની જગ્યાએ ફ્લેટ મળતા શિંદે જૂથના અનેક નેતા નારાજ
આંબેડકરના સન્માન માટે આંદોલન
વિપક્ષી નેતાઓએ બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યાનો આરોપ લગાવી સરકાર વિરુદ્ધ આંદોલન શરુ કર્યું છે. આ દરમિયાન મરાઠાવાડામાં પરભણી શહેર નજીક સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બંધારણની પ્રતિમાને નુકસાન પહોંચાડવા બદલ હિંસા ફાટી નીકળી હતી.
આ હિંસા બાદ ધરપકડ કરાયેલા સોમનાથ સૂર્યવંશીની કસ્ટડીમાં જ હત્યાનો આરોપ પોલીસ પર લાગ્યો છે. રાહુલ ગાંધીએ આ સૂર્યવંશીના પરિવારની મુલાકાત લીધી હતી. તેના પરિવારજનોએ પોલીસ પર આરોપ મૂક્યો હતો કે, તે દલિત હોવાથી પોલીસે તેની કસ્ટડીમાં જ હત્યા કરી દીધી છે.