ભાજપના વિરોધથી તો અમારી યાત્રાને લાભ થઈ રહ્યો છે, FIR બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
ભારત જોડો ન્યાય યાત્રાને આસામના ગુવાહાટીમાં પ્રવેશ કરવા અટકાવાતા બબાલ
કાર્યકર્તાઓનો હોબાળો, બેરિકેડ તોડ્યા, પ્રદર્શન કર્યું, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા
Bharat Jodo Nayay Yatra : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્મા સરમા (CM Himanta Sharma) વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફ રાહુલ ગાંધી આસામ સરકારને સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવી રહી છે, તો બીજીતરફ સીએમ સરમા પણ વળતો જવાબ આપી રહ્યા છે. આજે કોંગ્રેસના કાર્યકર્તાઓની બબાલને લઈ મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી સામે એફઆઈઆર દાખલ કરાવનો નિર્દેશ આપ્યો છે, જેને લઈને રાહુલ પણ ભડકી ઉઠ્યા છે અને ફરી સરમા પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીની યાત્રા અટકાવાઈ
રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ભારત જોડો ન્યાય યાત્રાને આસામ (Assam)ના ગુવાહાટીમાં પ્રવેશ કરતી વખતે અટકાવી દેવાઈ છે. ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હોબાળો મચાવી, પ્રદર્શન કરી રોષ ઠાલવી રહ્યા છે. કેટલાક કાર્યકર્તાઓએ બેરિકેડ તોડી નાખ્યા હતા, તો આસામ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઘટનાને લઈ મુખ્યમંત્રી સરમાએ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપતા રાહુલ ભડકી ઉઠ્યા છે. રાહુલ ગાંધીએ ફરી હિમંતા સરકાર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે.
‘CM સરમા-ગૃહમંત્રી અમારી મદદ કરી રહ્યા છે.’
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, ‘આસામના સીએમ બિસ્મા સરમા જે પણ કરી રહ્યા છે, તેનાથી અમારી યાત્રાને ફાયદો થઈ રહ્યો છે. અમને અત્યાર સુધીમાં જે પ્રતિસાદ મળ્યો નથી, આવુ કરી આસામના મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમારી મદદ કરી રહ્યા છે. હાલ આસામમાં મુખ્ય મુદ્દો યાત્રા છે, આ તેમની ડરાવવા અને ધમકાવવાની રણનીતિ છે. અમારો ન્યાય સંદેશ લોકો સુધી પહોંચી રહ્યો છે. હિમંતા આસામ ચલાવી શકતા નથી, તેઓ આસામના લોકોનો અવાજ નથી. ભાજપના કાર્યકર્તાઓ પણ તેમને પસંદ કરતા નથી, તમને તેમને પૂછી શકો છો.’
‘મને મંદિર-યુનિવર્સિટીમાં જતા અટકાવાયો’
રાહુલે વધુમાં કહ્યું કે, ‘આસામની સમસ્યા સ્પષ્ટ છે. આ રાજ્યના મુખ્યમંત્રી દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રીઓમાંથી એક છે. મને મંદિર, યુનિવર્સિટીમાં જતાં પણ અટકાવાયો. પદયાત્રા અટકાવવી એ ડરાવવા-ધમકાવવાના ષડયંત્રનો ભાગ છે. અમે ડરીશું નહીં.’ રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી મણિપુરથી શરૂ થઈ છે અને લગભગ 100 લોકસભા મતવિસ્તારોમાંથી પસાર થઈ, 6000 કિલોમીટરનો પ્રવાસ ખેડી યાત્રા 20 અથવા 21 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે.
હિમંતા બિસ્મા સરમાએ શું કહ્યું?
અગાઉ મુખ્યમંત્રી હિમંતાએ કહ્યું હતું કે, ‘આવી ઘટના આસામની સંસ્કૃતિનો ભાગ નથી. અમે શાંતિપૂર્ણ રાજ્ય છીએ. આવા પ્રકારનું નક્સલવાદી ષડયંત્ર અમારી સંસ્કૃતિથી બિલકુલ વિપરીત છે. તમારા બેજવાબદાર વર્તન અને નિયમોના ઉલ્લંઘનને કારણે ગુવાહાટીના રસ્તાઓ પર ભારે જામ થઈ ગયો.’ મુખ્યમંત્રીએ બેરિકેટ તોડવા તેમ ટોળાને ઉશ્કેરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધવા રાજ્ય પોલીસ મહાનિદેશક જી.પી.સિંહને આદેશ આપ્યો છે.