નરેન્દ્ર મોદીએ ભારતને બેરોજગારીનું કેન્દ્ર બનાવી દીધું, બિહારની રેલીમાં રાહુલ ગાંધીના પ્રહાર
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે( 20મી એપ્રિલ) બિહારના ભાગલપુરથી ચૂંટણી રેલીની શરૂઆત કરી છે. તેમણે ભાગલપુરના સેન્ડીસ કમ્પાઉન્ડ મેદાનમાં કોંગ્રેસના ઉમેદવાર અજીત શર્માના સમર્થનમાં આયોજિત જનસભાને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ આ રેલી દ્વારા શાસક પક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમની સાથે આ રેલીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, VIP પાર્ટીના નેતા મુકેશ સાહની અને I.N.D.I.A. ગઠબંધનના અનેક નેતાઓએ હાજર રહ્યા હતા.
રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યુ નિશાન
ભાગલપુરમાં જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આ બંધારણને બચાવવાની ચૂંટણી છે. આરએસએસ અને ભાજપ બંધારણને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે ભારતમાં 22 લોકો એવા છે જેમની પાસે ભારતના 70 કરોડ લોકો જેટલી સંપત્તિ છે. નરેન્દ્ર મોદીના ભારતમાં 70 કરોડ લોકો એવા છે જેમની આવક 100 રૂપિયાથી ઓછી છે.'
અગ્નિવીર યોજના અંગે કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન
અગ્નિવીર યોજનાને વઈને રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'મોદી સરકાર અગ્નિવીર યોજના લાવી. આની કોઈ જરૂર નથી. અમને બે પ્રકારના શહીદો નથી જોઈતા. અમારી સરકાર આવશે તો આ યોજના બંધ કરીશું. અમારી સરકાર આવશે ત્યારે અમે GSTમાં ફેરફાર કરીશું, એક ટેક્સ હશે અને ન્યૂનતમ ટેક્સ હશે. અમારી સરકાર આશા-આંગણવાડીની આવક બમણી કરશે. મનરેગાનું લઘુત્તમ વેતન 400 રૂપિયા રહેશે.' આ દરમિયાન રાહુલ ગાંધીએ I.N.D.I.A. ગઠબંધનના 5 ઉમેદવારો અજીત શર્મા, તારિક અનવર, બીમા ભારતી, જયપ્રકાશ યાદવ અને મોહમ્મદ જાવેદના સમર્થનમાં મતદાન કરવાની અપીલ કરી હતી.
રાહુલ ગાંધીએ બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને બેરોજગારીનું કેન્દ્ર બનાવી દીધું છે. યુવાનો કલાકો સુધી ઈન્સ્ટાગ્રામ-ફેસબુક પર બેસી રહે છે. અમારી આગામી સરકાર ભારતના દરેક યુવાનોને પ્રથમ નોકરીનો અધિકાર આપવા જઈ રહી છે. ગ્રેજ્યુએટ-ડિપ્લોમા ધારકોને પ્રથમ નોકરીનો અધિકાર આપવામાં આવશે. આને એપ્રેન્ટીસ તરીકે રાખવામાં આવશે. જો તે પ્રથમ વર્ષમાં સારું કામ કરશે તો તેને કાયમી કરવામાં આવશે. કરોડો યુવાનોને તાલીમ મળશે. સરકાર દર વર્ષે તેમના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવશે.' આ ઉપરાંત તેમણે ખેડૂતોની લોન માફીનું વચન પણ આપ્યું હતું.
આ પણ વાંચો: ભ્રષ્ટાચાર મુદ્દે રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર, વડાપ્રધાન મોદીને ટાંકીને કહ્યું- ‘જો અમે જીત્યા તો...’