'કેજરીવાલ જીતી જશે, કોંગ્રેસ-AAPનું ગઠબંધન હોત તો સારું હોત', દિગ્ગજ નેતાનું નિવેદન
Delhi Assembly Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'કદાચ અરવિંદ કેજરીવાલ ચૂંટણી જીતી જશે.' જો કે, તેમણે એમ પણ કહ્યું કે, 'કોંગ્રેસ પણ મેદાનમાં છે.' જણાવી દઈએ કે, દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને 8 ફ્રેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.
'સારું હોત જો કોંગ્રેસ-આપનું ગઠબંધન હોત'
પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે, 'દિલ્હી ચૂંટણી ખુબ જ મહત્ત્વની ચૂંટણી છે. હું સમજું છું કદાચ કેજરીવાલ ત્યાં જીતી જશે. કોંગ્રેસ પણ મેદાનમાં છે, કોંગ્રેસ પણ ચૂંટણી લડશે. સારું હોત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન હતો, પરંતુ કદાચ તેવું બનતું નજરે નથી પડી રહ્યું. અહીં બેસીને એ કહેવું કે દિલ્હીમાં શું થઈ રહ્યું છે તે મુશ્કેલ છે.'
વિધાનસભામાં ચૂંટણી હારી ગયા હતા પૃથ્વીરાજ ચૌહાણ
મહારાષ્ટ્રમાં ગત વર્ષે યોજાયેલી ચૂંટણીમાં પૃથ્વીરાજ ચૌહાણને હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ કરાડ દક્ષિણથી મેદાનમાં હતા. ભાજપ ઉમેદવારે આ બેઠકથી જીત મેળવી હતી.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે દિલ્હીમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. દિલ્હી કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને કેજરીવાલ પર સતત પ્રહાર કરી રહી છે. કેજરીવાલ નવી દિલ્હી બેઠકથી ચૂંટણી મેદાનમાં છે. અહીંથી કોંગ્રેસે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના દીકરા સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા છે. સંદીપ દીક્ષિત આ બેઠકથી જીતનો દાવો કરી રહ્યા છે. ત્યારે, ભાજપે પૂર્વ સાંસદ પ્રવેશ વર્માને આ બેઠકથી મેદાનમાં ઉતાર્યા છે.