'બાંટને વાલે ભી તુમ ઓર કાટને વાલે ભી...', મુખ્યમંત્રી યોગીના નિવેદન પર ખડગેનો પલટવાર
Jharkhand Election 2024: ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે 81 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. જોકે, ચૂંટણી પહેલાં આરોપ-પ્રત્યારોપ અને નિવેદનબાજી શરૂ થઈ ચુકી છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ મંગળવારે (5 નવેમ્બર) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 'બટોંગે તો કટોંગે' વાળા નિવેદન પર વળતો જવાબ આપ્યો છે. ખડગેએ કહ્યું કે, 'બાંટને વાલે ભી તુમ હો ઔર કાટને વાલે ભી.'
કોંગ્રેસ અધ્યક્ષે ઝારખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પણ પ્રહાર કર્યા હતાં. રાંચીની એક રેલીમાં ખડગેએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતાં લોકોને પૂછ્યું કે, તમે લોકો વારંવાર ખોટું બોલનારા વ્યક્તિને કેવી રીતે મત આપી શકો? ભાજપ તમરા લોકોમાં ભાગલા પાડવા ઈચ્છે છે.
આ પણ વાંચોઃ ખડગેની વડાપ્રધાન મોદીને ચેલેન્જઃ કહ્યું, આમને-સામને ચર્ચા કરીએ, વિગત સાથે બધો હિસાબ આપીશ
વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર
રેલી દરમિયાન ખડગેએ કહ્યું કે, ઝારખંડમાં વડાપ્રધાન મોદીનું ભાષણ જુમલો છે. તેમના ગૃહમંત્રી પહેલાં કહેતા હતાં કે, બે કરોડ યુવાઓને રોજગારી આપીશું, પરંતુ બાદમાં તેમણે કહ્યું કે આ તો ચૂંટણી સમયે કરવામાં આવેલો એક જુમલો હતો. પહેલાં તેઓએ 15-15 લાખ આપવાની પણ વાત કહી હતી. તમે વારંવાર ખોટું બોલનારા વ્યક્તિને કેવી રીતે મત આપી શકો?
ભાગલા પાડવા ઈચ્છે છે ભાજપ
ખડગેએ આ મુદ્દે આગળ કહ્યું, 'વડાપ્રધાન મોદી તમારા મંગળસૂત્ર, તમારા ઢોરની ચોરી કરવાના છે. તે તમારી સંપત્તિ છીનવીને અંબાણી અને અદાણીને આપી રહ્યાં છે. આરએસએસ-ભાજપ તમારામાં ભાગલા પાડવા ઈચ્છે છે, તમારી વચ્ચે ઝઘડા કરાવવા ઈચ્છે છે.' ખડગેએ ભાજપના ઘૂસણખોરીવાળા નિવેદન પર જવાબ આપતા કહ્યું કે, ભાજપ કહે છે કે, ઘૂસણખોર માટી, બેટી અને રોટી ચોરે છે. જ્યારે ઘૂસણખોરો આ કરતાં હતાં ત્યારે તમે ખુરશી પર શું કરી રહ્યાં હતાં?'
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર કર્યાં સવાલ
આ દરમિયાન ખડગેએ મુખ્યમંત્રી યોગીના 'બટેંગે તો કટેંગે'ના નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો. ખડગેએ કહ્યું કે, 'ભાગલા પાડનારા પણ આ જ લોકો છે અને કાપનાર પણ આ જ લોકો છે. આ ભાજપ-આરએસએસનો એજન્ડા છે. જ્યાં સુધી તેમનો એજન્ડા નહીં તોડીએ તેઓ તમારૂ શોષણ કરતાં રહેશે.'