ખડગેની વડાપ્રધાન મોદીને ચેલેન્જઃ કહ્યું, આમને-સામને ચર્ચા કરીએ, વિગત સાથે બધો હિસાબ આપીશ
Jharkhand Election 2024: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમને-સામને ચર્ચાની ચેલેન્જ આપી દીધી છે. ઝારખંડના હઝારીબાગમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા સમયે ખડગેએ કહ્યું કે, હું ભાજપ અને કોંગ્રેસની ગેરંટી પર ચર્ચાની ચેલેન્જ આપું છે. ખડગેએ વડાપ્રધાન મોદીને બેંગલુરૂ આવવાનું કહ્યું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, તેઓ (PM મોદી) ત્યાં આવે અને જુએ કે ગેરંટીની પૂરી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ખડગેના 'જેટલું બજેટ હોય, તેટલી જ ગેરંટીનું વચન આપવું' નિવેદનનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતાં. જેનો મલ્લિકાર્જૂન ખડગેએ જાહેર મંચ પરથી વળતો જવાબ આપ્યો હતો.
ખડગેએ કર્યાં પ્રહાર
મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, સૌથી પહેલાં કોંગ્રેસ સરકારે મહિલાઓ માટે આર્થિક મદદની યોજના લાગૂ કરી, જેની નકલ ભાજપ સરકારોએ કરી છે. તેમની પાસે કોઈ ઓરિજનલ યોજના નથી. કર્ણાટકમાં અમે ભાગ્યલક્ષ્મી યોજના લાવ્યા અને મહિલાઓને 2 હજાર રૂપિયા આપ્યાં, જેની નકલ હાલ મોદીજી દરેક જગ્યાએ કરી રહ્યાં છે.'
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રની ચૂંટણીમાં મોટો ખેલ: મરાઠા આગેવાનની મોટી જાહેરાતથી એક ઝાટકે 46 બેઠકો પર અસર
કોંગ્રેસ અધ્યક્ષે PM મોદીને આપી ચેલેન્જ
વધુમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, 'મેં બેંગલુરૂમાં અમુક વાત કહી જેનો ઉલ્લેખ મોદીજીએ ઘણી જગ્યાએ કર્યો. જો તેમને અમારી ગેરંટી પર વિશ્વાસ નથી, તો હું તેમને ચેલેન્જ આપું છું કે તેઓ બેંગલુરૂમાં આવે. હું બતાવીશ કે અમે જે ગેરંટી આપી હતી તેમાંથી કેટલી લાગૂ કરી, કેટલાં લોકો સુધી તેને પહોંચાડી, કેટલો ખર્ચ કર્યો. જે હિસાબ તમારી સામે મૂકીશ, તેની સંપૂર્ણ વિગત પણ રાખીશ. ચર્ચા એવા ટેબલ પર થાય, જ્યાં અમે આમને-સામને હોય. ચર્ચા કરીશું કોની સરકારે સારૂ કામ કર્યું અને કોની સરકારે ગેરંટી પહોંચાડી છે.'
શાયરાના અંદાજમાં કર્યા પ્રહાર
ખડગેએ વડાપ્રધાન મોદી પર શાયરાના અંદાજમાં પ્રહાર કરતાં કહ્યું, 'તુમ્હારે વાદો કા કદ ભી તુમ્હારે જૈસા હૈ, કભી ભી નાપકર દેખો કમ નીકલતા હૈ'. ઝારખંડમાં બાંગ્લાદેશ ઘુસણખોરને લઈને વડાપ્રધાન મોદીના આરોપનો જવાબ આપતાં ખડગેએ કહ્યું કે, જો એવું થઈ રહ્યું છે તો તે ખુરશી પર સુઈ રહ્યાં છે? તેઓ ઘુસણખોરી રોકી નથી શકતાં તો ખુરશી મૂકી દે. કોંગ્રેસ દેશ ચલાવીને બતાવશે.'