VIDEO : 351 કરોડ રોકડા મળી આવવા મામલે ધીરજ સાહૂની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'બિઝનેસ મારા પરિવારનો છે'
દરોડા દરમિયાન જે પણ રૂપિયા મળી આવ્યા છે, તે મારી દારુની કંપનીઓના છે : ધીરજ સાહૂ
આ પૈસા સાથે કોંગ્રેસ પાર્ટીને કોઈ લેવા-દેવા નથી : ધીરજ સાહૂ
Dheeraj Sahu On IT Raid : કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂએ આવકવેરા વિભાગના દરોડા મામલે કહ્યું કે, જે પૈસા જપ્ત થયા છે, તેમાં કોંગ્રેસ કે અન્ય કોઈ પણ પાર્ટીના રૂપિયા નથી. તેને કારણ વગર બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
કોંગ્રેસ નેતા ધીરજ સાહૂએ ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, આ પૈસાથી મારે કોઈ લેવા-દેવા નથી. આ મારા પરિવારના પૈસા છે. અમારો પરિવાર ખુબ મોટો છે અને આ પૈસા તે લોકોના છે. હાલ ઈન્કમ ટેક્સ તરફથી એવું નથી કહેવામાં આવ્યું કે, આ પૈસા ગેરકાયદે છે. તેવામાં આ પૈસા અંગે કંઈપણ કહેવું ઉતાવળ હશે.
ધીરજ સાહૂએ કહ્યું કે, દરોડા દરમિયાન જે પણ રૂપિયા મળી આવ્યા છે, તે મારી દારુની કંપનીઓના છે. દારુનો વહિવટ રોકડમાં જ થાય છે. મને નથી ખબર કે લોકો આને કેવી રીતે જુએ છે, પરંતુ હું એ વિશ્વાસ સાથે કહી શકું છું કે, આ પૈસા સાથે કોંગ્રેસ પાર્ટીને કોઈ લેવા-દેવા નથી.
ધીરજ સાહૂએ કહ્યું કે, મેં ઝારખંડમાં અનેક વિકાસ કાર્ય કર્યા છે અને હંમેશા ગરીબોની મદદ કરી છે. જે રોકડ મળી આવી છે તે મારી પાક્કી રકમ છે, મારો પરિવાર દાયકાઓથી વધુ સમયથી દારૂનો વેપાર ચલાવી રહ્યો છે. દારૂનો ધંધો રોકડવામાં થાય છે. ધંધો મારો પરિવારના લોકો ચલાવતા હતા. આવકવેરા વિભાગના દરોડામાં જે રોકડ મળી છે, તે કોઈ રાજકીય પક્ષની નથી. તે મારા બિઝનેસ ફર્મ માટે રોકડ રાખવામાં આવી હતી.
સાહૂએ કહ્યું કે, હું પહેલા પણ કહી ચૂક્યો છું કે, આ પૈસા મારા પરિવારની કંપનીઓના છે. આવકવેરા વિભાગને એ નક્કી કરવા દો કે આ કાળુ નાણું છે કે સફેદ નાણું. હું બિઝનેસ લાઈનનો નથી. મારા પરિવારના સભ્યો તેનો જવાબ આપશે.
સાંસદ ધીરજ સાહૂના બિઝનેસ સાથે પાર્ટીના કોઈ લેવા-દેવા નથી : કોંગ્રેસ નેતા જયરામ રમેશ
જોકે, આ અગાઉ કોંગ્રેસ પાર્ટીએ સાંસદ ધીરજ સાહૂના બિઝનેસ સાથે કોઈ પ્રકારના લેવા-દેવા ન હોવાની વાત કહી હતી. કોંગ્રેસ નેતા જયરામ રમેશે 'X' પર લખ્યું હતું કે, સાંસદ ધીરજ સાહૂના બિઝનેસથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને કોઈ લેવા-દેવા નથી. માત્ર તેઓ જ જણાવી શકે છે અને તેમને આ સ્પષ્ટ પણ કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, એ પણ જણાવવું જોઈએ કે, કેવી રીતે આવક વિભાગના અધિકારીઓ તરફથી કથિત રીતે તેમના ઠેકાણાઓ પરથી આટલી મોટી માત્રામાં રોકડ જપ્ત કરાઈ રહી છે.
કબાટ અને બેગમાં ભરેલા હતા નોટોના બંડલ
આટલી મોટી રકમ મળી હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ કથિત વીડિયોમાં નજરે આવી રહ્યું છે કે, કબાટોમાં નોટોના બંડલ રાખેલા છે. નીચે રાખેલા બેગ પણ નોટોથી ભરેલા નજરે આવી રહ્યા છે.