Get The App

કચ્ચાથિવુ વિવાદ પર કોંગ્રેસનો જવાબ: ચિદંબરમે કહ્યું- 'લોકો કેટલી જલ્દી રંગ બદલે છે...'

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
કચ્ચાથિવુ વિવાદ પર કોંગ્રેસનો જવાબ: ચિદંબરમે કહ્યું- 'લોકો કેટલી જલ્દી રંગ બદલે છે...' 1 - image


Image Source: Twitter

Kachchatheevu Controversy: કચ્ચાથિવુ મુદ્દે પીએમ મોદીના ટ્વીટ અને વિદેશ મંત્રી એસ જયશંકરની પ્રેસ કોન્ફરન્સનો હવે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમે જવાબ આપ્યો છે. ચિદંબરમે શ્રીલંકાને કચ્ચાથિવુ દ્વીપ શ્રીલંકાને આપવાના કરારનો બચાવ કર્યો હતો. તેણે કહ્યું કે, આ વાહિયાત આરોપ છે. આ કરાર 1974 અને 1976માં થયો હતો. પીએમ મોદી તાજેતરના RTI જવાબનો ઉલ્લેખ કરી રહ્યા છે તેમણે 27 જાન્યુઆરી 2015ના RTI જવાબનો ઉલ્લેખ કરવો જોઈએ, જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકર વિદેશ સચિવ હતા. તે જવાબમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, વાતચીત બાદ આ દ્વીપ આંતરરાષ્ટ્રીય સરહદના શ્રીલંકાના હિસ્સામાં છે.

ચિદંબરમે આગળ કહ્યું કે, શું તમે જાણો છો કે ઈન્દિરા ગાંધીએ શા માટે સ્વીકાર્યું કે તે શ્રીલંકાનો છે? કારણ કે શ્રીલંકામાં 6 લાખ તમિલ પીડિતો હતા. તેથી તેમણે શરણાર્થી તરીકે ભારતમાં આવવું પડ્યું હતું. આ કરારના પરિણામે 6 લાખ તમિલો ભારતમાં આવ્યા અને તેઓ અહીં તમામ માનવ અધિકારો સાથે સ્વતંત્રતાનો આનંદ માણી રહ્યા છે.

વિદેશ મંત્રીના દાવા પર ચિદંબરમનો પલટવાર

આ પહેલા આજે વિદેશ મંત્રી એસ જયશંકરે દાવો કર્યો હતો કે, કોંગ્રેસના વડા પ્રધાનોએ કચ્ચાથિવુ દ્વીપ મુદ્દે ઉદાસીનતા દર્શાવી હતી અને તેના વિપરીત કાયદાકીય વિચારો છતાં ભારતીય માછીમારોના અધિકારોની અવગણના કરી હતી. તેમણે કહ્યું કે જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી જેવા વડા પ્રધાનોએ 1974માં દરિયાઈ સીમા કરાર હેઠળ શ્રીલંકાને આપવામાં આવેલા કચ્ચાથિવુને નાનો દ્વીપ અને નાનો ખડક ગણાવ્યો હતો. 

વિદેશ મંત્રી પર પલટવાર કરતા ચિદંબરમે 25 જાન્યુઆરી, 2015ના રોજ વિદેશ મંત્રાલયના એક RTI જવાબનો હવાલો આપ્યો. તેમણે કહ્યું કે, આ RTI જવાબે એ પરિસ્થિતિઓને યોગ્ય ઠેરવી હતી જેના કારણે ભારતે સ્વીકાર્યું કે એક નાનો દ્વીપ શ્રીલંકાનો છે. વિદેશ મંત્રી અને તેમનું મંત્રાલય આવું કેમ કરી રહ્યા છે? લોકો કેટલી જલ્દી રંગ બદલી નાખે છે. એક સૌમ્ય ઉદાર વિદેશ સેવા અધિકારી અને એક વિદેશ ચતૂર વિદેશ સચિવથી લઈને આરએસએસ-ભાજપના મુખપત્ર સુધી જયશંકરનું જીવન કલાબાજી ખેલના ઇતિહાસમાં નોંધવામાં આવશે.

ચીને દ્વીપ કરતાં હજાર ગણી વધારે જમીન હડપી લીધી: ચિદંબરમ

તમિલનાડુના રાજ્યસભા સાંસદ ચિદંબરમે કહ્યું કે, પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ સ્વીકાર્યું હતું કે, આ દ્વીપ શ્રીલંકાનો છે કારણ કે તે દેશમાં 6 લાખ તમિલ પીડિતો હતા અને તેઓએ શરણાર્થી તરીકે ભારત આવવું પડ્યું અને અહીં સ્થાયી થવું પડ્યું હતું. ચિદંબરમે કહ્યું કે 27 જાન્યુઆરી 2015ના રોજ વિદેશ મંત્રાલયનો જવાબ આ મામલાને પૂર્ણ કરે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછ્યું કે, તમે 50 વર્ષ પછી આ મુદ્દો કેમ ઉઠાવી રહ્યા છો? તમે એ વિશે વાત કેમ નથી કરી રહ્યા કે, 2-3 વર્ષમાં શું થયું? પીએમ મોદીએ રવિવારે કહ્યું હતું કે કોંગ્રેસે  કચ્ચાથિવુને શ્રીલંકાને સોંપી દીધું હતું.

ચિદંબરમે કહ્યું કે, કચ્ચાથિવુનું ક્ષેત્રફળ 1.9 ચોરસ કિલોમીટર છે. તેમણે કહ્યું ચીને ભારતની 2000 ચોરસ કિલોમીટર જમીન હડપ કરી લીધી છે. પીએમ મોદીએ એવું કહીને ચીનની આક્રમકતાને યોગ્ય ઠેરવી કે, ભારતની ધરતી પર કોઈ ચીનના સૈનિકો નથી. ચીને મોદીના ભાષણને સમગ્ર વિશ્વમાં પ્રસારીત કરી દીધું. ચીને જે જમીન હડપ કરી છે તે નાના ટાપુ કરતા પણ 1000 ગણી વધારે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કહ્યું કે, ઉદાર આદાન-પ્રદાન એક બાબત છે અને દુર્ભાવનાપૂર્ણ જપ્તી બીજી વાત છે. 


Google NewsGoogle News