જાતિગત વસ્તીગણતરી મુદ્દે રાહુલ ગાંધી પર ભડક્યા પોતાના જ પક્ષના નેતા, ખડગેને લખ્યો પત્ર

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જાતિ આધારિત વસતિ ગણતરીની માંગ કરનાર કોંગ્રેસ-રાહુલ ગાંધી વિરુદ્ધ બળાવો કાઢ્યો

આનંદ શર્માએ ઈન્દિરા ગાંધીનું સૂત્ર અને રાજીવ ગાંધીનું ભાષણ યાદ અપાવી કોંગ્રેસ અધ્યક્ષને પત્ર લખ્યો

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
જાતિગત વસ્તીગણતરી મુદ્દે રાહુલ ગાંધી પર ભડક્યા પોતાના જ પક્ષના નેતા, ખડગેને લખ્યો પત્ર 1 - image

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક વિખવાદનો મામલો જાહેરમાં સામે આવ્યો છે. જાતિગત વસ્તીગણતરી મુદ્દે કોંગ્રેસ (Congress)ના જ દિગ્ગજ નેતાએ રાહુલ ગાંધી (Rahul Gandhi)નો જાહેરમાં વિરોધ કર્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા આનંદ શર્મા (Anand Sharma)એ આ મામલે કોંગ્રેસ અને પાર્ટીના નેતાઓ વિરુદ્ધ જાહેરમાં બળાપો કાઢ્યો છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર પણ લખ્યો છે.

આનંદ શર્માએ શું કહ્યું?

આનંદ શર્માએ કહ્યું કે, રાષ્ટ્રીય જાતિગત વસ્તીગણતરીનો મામલો ચૂંટણી પ્રચારમાં મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. ઈન્ડિયા ગઠબંધને 9INDIA Alliance) પણ તેનું સમર્થન કર્યું છે. જે પક્ષોએ જાતિ આધારિત રાજકારણ કર્યું હતું, તે પક્ષો પણ ગઠબંધનમાં સામેલ છે. જો કે, સામાજીક ન્યાય અંગેની કોંગ્રેસની નીતિ ભારતીય સમાજની જટિલતાઓની પરિપક્વ અને જાણકાર સમજ પર આધારિત છે.

જાતિગત વસ્તીગણતરી મુદ્દે રાહુલ ગાંધી પર ભડક્યા પોતાના જ પક્ષના નેતા, ખડગેને લખ્યો પત્ર 2 - image

જાતિગત વસ્તીગણતરી મુદ્દે રાહુલ ગાંધી પર ભડક્યા પોતાના જ પક્ષના નેતા, ખડગેને લખ્યો પત્ર 3 - image

રાહુલને ઈન્દિરા ગાંધીનું સૂત્ર યાદ અપાવ્યું

આનંદ શર્માએ ઈન્દિરા ગાંધીના સૂત્રને યાદ અપાવી કહ્યું કે, ‘તે સમયે કહેવાતું હતું કે, ‘ન જાત પર, ન પાત પર, મોહર લગેગી હાથ પર’. 1990ની હિંસા બાદ રાજીવ ગાંધીએ લોકસભામાં ઐતિહાસિક ભાષણ આપી કહ્યું હતું કે, જો આપણા દેશમાં જાતિવાદ સ્થાપિત કરવા જ્ઞાતિની વ્યાખ્યા કરાશે તો આપણને સમસ્યા છે. જો જ્ઞાતિવાદને સંસદીય અને વિધાનસભા મતવિસ્તારોમાં વિષય બનાવાશે તો અમને મુશ્કેલી પડશે. આવી સ્થિતિમાં કોંગ્રેસ દેશને વિભાજીત થતો જોઈ શકશે નહીં.’

ઈન્દિરા અને રાજીવ ગાંધીના વારસાનો અનાદર

તેમણે જાતિવાદના મામલાને ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના વારસાનો અનાદર કહ્યો છે. તેમણે કહ્યું કે, આવા મુદ્દાઓના કારણે કોંગ્રેસના વિરોધીઓનો રસ્તો વધુ સરળ બનશે. મારા મત મુજબ જાતિગત વસ્તીગણતરી રામબાણ પણ નથી અને તે બેરોજગારી અને પ્રચલિત અસમાનતાઓનું સમાધાન પણ નથી.

કોંગ્રેસે ઉઠાવ્યો હતો ‘જાતિ આધારિત વસતિ ગણતરી’નો મુદ્દો

ઉલ્લેખનીય છે કે, બિહારમાં જાતિ આધારિત વસતિ ગણતરી (Bihar Caste Based Census)નો અહેવાલ રજૂ થયા બાદ કોંગ્રેસે જેટલી વસતી, એટલા વધુ અધિકારો સાથે જાતિ આધારિત વસતી ગણતરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બિહારની જાતિ ગણતરી દર્શાવે છે કે OBC, SC અને STની વસ્તી 84 ટકા છે. કેન્દ્રના 90 સચિવોમાંથી માત્ર ત્રણ જ OBC છે. તે ભારતમાં માત્ર પાંચ ટકા બજેટ સંભાળે છે.

આ ઉપરાંત રાહુલે ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં જાતિ આધારિત વસ્તી ગણતરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જાતિગત વસ્તી ગણતરી કરાવવાના પોતાની પાર્ટીના સંકલ્પને રેખાંકિત કરી કહ્યું હતું કે, 'શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ગરીબ કોણ છે. કેટલા છે અને કઈ સ્થિતિમાં છે. શું આ બધુ ગણવું જરૂરી નથી? બિહારમાં જાતિગત સર્વેક્ષણથી ખબર પડી કે 88 ટકા ગરીબ વસ્તી દલિત, આદિવાસી, પછાત અને અલ્પસંખ્યક સમુદાયથી આવે છે. બિહારના આંકડા દેશના સાચું ચિત્રની એક નાની ઝલક છે, આપણને અંદાજો પણ નથી કે દેશની ગરીબ વસ્તી કઈ પરિસ્થિતિમાં જીવી રહી છે.' 

અગાઉ કોંગ્રેસે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી વખતે ‘જાતિ આધારિત વસતિ ગણતરી’નો મુદ્દો બનાવ્યો હતો અને કહ્યું હતું કે, રાજ્યમાં સરકાર બન્યા બાદ જાતિ આધારિત વસતી ગણતરી કરવામાં આવશે. 


Google NewsGoogle News