'જે કોંગ્રેસ રામની નથી તે કોઈની નથી': હાઈકમાન્ડના નિર્ણયથી દુ:ખી કોંગ્રેસ નેતાએ રાજીનામું આપ્યુ
- કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના અયોધ્યા ન જવાના નિર્ણયના કારણે પાર્ટીના અનેક નેતાઓ નારાજ
ગ્વાલિયર, તા. 16 જાન્યુઆરી 2024, મંગળવાર
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ કાર્યક્રમની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ભાજપના નેતાઓ દ્વારા સતત મંદિરોની સફાઈ કરવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસ હાઈકમાન્ડે આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ ન થવાનું એલાન કરી દીધું છે. જોકે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના અયોધ્યા ન જવાના નિર્ણયના કારણે પાર્ટીના અનેક નેતાઓ નારાજ છે.
હાઈકમાન્ડના નિર્ણયથી દુ:ખી થઈને રાજીનામું આપ્યુ
આ નારાજગીને કારણે ગ્વાલિયર કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને ત્રણ વખતના કાઉન્સિલર આનંદ શર્માએ સોમવારે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસ હાઈકમાન્ડના સામેલ ન થવાના નિર્ણયથી દુ:ખી થઈને તેમણે આ નિર્ણય લીધો છે.
જે કોંગ્રેસ રામની નથી તે હવે કોઈની નથી: આનંદ શર્મા
કોંગ્રેસ સાથે છેડો ફાડવાને લઈને તેમણે કહ્યું કે, જે કોંગ્રેસ રામની નથી તે હવે કોઈની નથી. રામથી વિમુખ થયેલી કોંગ્રેસીના દરેક કાર્યકર્તા ટોચના નેતૃત્વથી વ્યથિત છે. શર્માનું કહેવું છે કે આજે હું પોતાના પાડોસી સાથે આંખ મિલાવીને વાત નથી કરી શકતો કારણ કે તેમનો એક જ સવાલ છે કે, કોંગ્રેસે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી પોતાને કેમ દૂર રાખ્યા? અમારા જેવા કાર્યકર્તાઓ પાસે તો આ સવાલનો જવાબ નથી.
આનંદ શર્માએ રામ મંદિરનો ઉલ્લેખ કરતા મીડિયાને કહ્યું હતું કે આજે જે કંઈ પણ થઈ રહ્યું છે તેની આધારશિલા કોંગ્રેસ દ્વારા જ રાખવામાં આવી હતી તથા ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયની કોંગ્રેસની નીતિઓની હાલમાં અવગણના થઈ રહી છે. તેઓ છેલ્લા 48 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા.