Get The App

નીતિ આયોગ વડાપ્રધાન મોદીની ચિયર લીડર, ગરીબી ઘટાડવાના રિપોર્ટ મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ

નીતિ આયોગ PM મોદી માટે ચીયરલીડર અને ઢોલ વગાડનારો, રિપોર્ટ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીશું : જયરામ રમેશ

દેશમાં છેલ્લા 9 વર્ષમાં 24.82 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નિકળ્યા હોવાનો નીતિ આયોગે રિપોર્ટ જાહેર કર્યો હતો

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
નીતિ આયોગ વડાપ્રધાન મોદીની ચિયર લીડર, ગરીબી ઘટાડવાના રિપોર્ટ મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ 1 - image


Niti Aayog India Multidimensional Poverty Report 2024 : કોંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા જયરામ રમેશે (Jairam Ramesh) દેશમાં ગરીબી ઘટવાના નીતિ આયોગના રિપોર્ટનો ખોટો કહી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે રિપોર્ટ ખોટો હોવાનું કહી નીતિ આયોગને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો ભોપુ કહ્યો છે.

કોંગ્રેસે નીતિ આયોગના રિપોર્ટને રદીયો આપ્યો

નીતિ આયોગે 15 જાન્યુઆરીએ બહુપરીમાણીય ગરીબી અંગેનો રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં દેશમાં છેલ્લા 9 વર્ષમાં લગભગ 24.82 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નિકળ્યા હોવાનો દાવો કરાયો છે, ત્યારે પૂર્વ કેન્દ્રીયમંત્રી જયરામ રમેશે નીતિ આયોગના રિપોર્ટને રદીયો આપ્યો છે.

નીતિ આયોગનો રિપોર્ટ નકલી : જયરામ રમેશ

જયરામ રમેશે કહ્યું કે, ‘નીતિ આયોગનો રિપોર્ટ નકલી છે, આ રિપોર્ટ ખોટો છે. નીતિ આયોગ સ્વતંત્ર સંસ્થા નથી. નીતિ આયોગ પીએમ મોદી માટે ચીયરલીડર અને ઢોલ વગાડનારો છે. નીતિ આયોગના આંકડાઓ પર વિશ્વાસ ન કરી શકાય. તમામ નિષ્ણાતોએ તેની ટીકા કરી છે. પાર્ટી આયોગના રિપોર્ટ મામલે પ્રેસ કોન્ફરન્સ કરશે.’

PM મોદીએ 25 કરોડ ભારતીયોને ગરીબીમાંથી બહાર કાઢ્યા : ભાજપ

BJP નેતા અને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે, ‘કોંગ્રેસ દ્વારા 65 વર્ષથી ચાલી રહેલા ગરીબી હટાવોના ખોટા સૂત્રોચ્ચાર બાદ વડાપ્રધાન મોદીએ લક્ષ્ય, મહેનત, દ્રઢતા, ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને ‘ગરીબી કલ્યાણ’ નીતિઓથી 25 કરોડ ભારતીયોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે.’

નીતિ આયોગના રિપોર્ટમાં શું કહેવાયું છે?

નીતિ આયોગે 15 જાન્યુઆરી, સોમવારે બહુપરીમાણીય ગરીબી અંગેનો રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં દેશમાં છેલ્લા 9 વર્ષમાં કુલ 24.82 કરોડ લોગો બહુપરીમાણીય ગરીબી (Multidimensional Poverty) એટલે કે આરોગ્ય, શિક્ષણ અને રોંજીદા જીવનની જરૂરીયાતોની ગરીબીમાંથી બહાર આવ્યા હોવાનો દાવો કરાયો છે. રિપોર્ટ મુજબ સૌથી વધુ ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં ગરીબીની સંખ્યા ઘટી છે. બહુપરીમાણીય ગરીબી આરોગ્ય, શિક્ષણ અને લોકોના જીવન સ્તરમાં સુધારા મુજબ આંકવામાં આવે છે.

24.82 કરોડ લોકોનું જીવન સ્તર સુધર્યું

રિપોર્ટ મુજબ બહુપરીમાણીય ગરીબી 2013-14માં 29.17 ટકા હતી, જે 2022-23માં ઘટીને 11.28 ટકા પર પહોંચી હતી. આ મુજબ 9 વર્ષના સમયગાળામાં 24.82 કરોડ લોકોના જીવન સ્તરમાં સુધારો થયો છે અને તેઓ ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. આ રિપોર્ટ નીતિ આયોગના સભ્ય પ્રોફેસર રમેશ ચંદ્ર દ્વારા નીતિ આયોગના સીઈઓ બીવી આર સુબ્રમણ્યમની ઉપસ્થિતિમાં જારી કરાયો છે. ઓક્સફોર્ડ પ્રોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ટીટીવ (OPHI) અને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા રિપોર્ટની માહિતીના ઈનપુટ પુરા પડાયા છે.

યુપીમાં સૌથી વધુ ગરીબી સંખ્યા ઘટી

ઉત્તર પ્રદેશમાં ગરીબીની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે, જેમાં છેલ્લા નવ વર્ષમાં 5.94 કરોડ લોકો બહુપરિમાણીય ગરીબીમાંથી બહાર આવ્યા છે, ત્યારબાદ બિહારમાં 3.77 કરોડ, મધ્યપ્રદેશમાં 2.30 કરોડ અને રાજસ્થાનમાં 1.87 કરોડ લોકોનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News