"પિતાએ મને ધમકાવી, કહ્યું - ક્યારેય મનમાં આ વાત ન આવે...' પ્રિયંકા ગાંધીએ જણાવ્યો રસપ્રદ કિસ્સો
રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા સક્ષમ છતાં ઈન્ડિયા ગઠબંધન નિર્ણય કરશે
રાહુલ ગાંધી હિન્દુ ધર્મના ઊંડાણને સમજે છે, મોદી તેમની સાથે ચર્ચામાં જીતી નહીં શકે : પ્રિયંકાનો દાવો
Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટેના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે ત્યારે કોંગ્રેસ નેતા અને લોકસભા ચૂંટણીમાં પક્ષના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીના એ દાવાને ફગાવી દીધો હતો, જેમાં તેઓ કહે છે કે કોંગ્રેસ એક ચાવાળાનો પુત્ર 10 વર્ષથી દેશનો પીએમ છે તે પચાવી નથી શકતી. વધુમાં તેમણે હિન્દુ ધર્મ અંગે પીએમ મોદી કરતા રાહુલ ગાંધી વધુ જ્ઞાન ધરાવતા હોવાનો પણ દાવો કર્યો હતો.
જ્યોતિષીએ હાથ જોઈ કહ્યું હતું કે તમે પીએમ બનશો : પ્રિયંકા
લોકસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના પરિવારવાદના આક્ષેપો અંગે જવાબ આપ્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે, એક દિવસ એક જ્યોતિષ અમારા ઘરે આવ્યા હતા. તેઓ પિતાની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે મારી વય 12-13 વર્ષની હતી. તેમણે મારો હાથ જોઈને કહ્યું, મોટા થઈને તમે વડાપ્રધાન બનશો. પાછળથી પિતાજીને આ વાતની ખબર પડી તો મને ધમકાવી અને કહ્યું કે, ક્યારેય તારા મનમાં પણ આ વાત આવવી જોઈએ નહીં. અમને ક્યારેય શીખવાડવામાં આવ્યું નથી કે તમે નહેરુ-ગાંધી પરિવારમાંથી છો એટલે તમારે રાજકારણ કરવાનું છે. અમને ક્યારેય નથી કહેવાયું કે તમારે વડાપ્રધાન બનવાનું છે. અમારો પરિવાર માત્ર સત્તા ઈચ્છે છે તે ધારણા ખોટી છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, એક ચાવાળાનો પુત્ર દેશના વડાપ્રધાનપદે છે તે કોંગ્રેસ સહન નથી કરી શકતી તેવો પીએમ મોદીનો દાવો એકદમ ખોટો છે. હકીકતમાં તો અમને એ બાબતનું ગૌરવ છે. કોંગ્રેસ પક્ષે દેશમાં એવું લોકતંત્ર સ્થાપિત કર્યું કે દેશની દરેક વ્યક્તિને ટોચના પદ સુધી પહોંચવાની તક મળી છે. અમે તો મોદીજીની ટીકા કરતા એવું ક્યારેય નથી કહેતા કે તેઓ એક ગરીબ પરિવારમાંથી આવે છે અને આટલા ઊંચા પદે પહોંચી ગયા છે. મોદીજીને જ પોતે પીએમ બન્યાનું ગૌરવ નથી.
પ્રિયંકા ગાંધીએ દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને યાદ કરતા કહ્યું કે, 12 વર્ષની વયે જ અમે ભયાનક હિંસા જોઈ છે. અમારા ઘરની અંદર જ ઈન્દિરાજીની હત્યા થઈ હતી. તેના સાત વર્ષ પછી પિતાજીનું મોત થયું, જે સમયે તેમની વય 46 વર્ષ હતી. રાહુલ ગાંધીનો બચાવ કરતા પ્રિયંકાએ કહ્યું કે, રાહુલજી પર મીડિયાથી લઈને ભાજપના નેતાઓએ એટલા હુમલા કર્યા, એટલા અપશબ્દો બોલ્યા અને એટલી ખોટી માન્યતાઓ ફેલાવી છતાં તેઓ તેમની સામે ઊભા છે. રાહુલમાં એટલી હિંમત છે કે તેઓ નમશે નહીં. તેમને ઘરમાંથી કાઢ્યા, સંસદમાંથી કાઢ્યા, ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં કેસ કર્યા, જેથી અલગ અલગ કેસોમાં હાજરી માટે તેમણે દોડતા રહેવું પડે. આટલી હેરાનગતિ છતાં રાહુલ ગાંધી ડરશે નહીં.
પ્રિયંકાએ ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધીમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા છે. પરંતુ અમે આ ચૂંટણીમાં નિર્ણય કર્યો છે કે ઈન્ડિયા ગઠબંધન નિશ્ચિત કરશે કે વડાપ્રધાન કોણ બનશે. તેઓ જેમની પસંદગી કરશે તેમને અમે સમર્થન આપીશું. રાહુલ ગાંધી દેશની સમસ્યાઓ, સંસ્કૃતિને ઊંડાણપૂર્વક સમજે છે. મોદીજી રાહુલ સાથે હિન્દુ ધર્મ પર ચર્ચા કરે તો હું દાવા સાથે કહી શકું છું કે મોદીજી રાહુલ સામે બોલી નહીં શકે. રાહુલ હિન્દુ ધર્મ અંગે એટલું ઊંડાણ પૂર્વક સમજે છે. ભાજપના 400ના આંકડા અંગે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હકીકતમાં 4 જૂને ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે. ભાજપ બેકફૂટ પર છે, કોંગ્રેસ નહીં. મોદીજી પણ એ વાત સમજી ગયા છે, તેથી જ પોતાના પ્રચારનું ખંડન કરે છે. અમારા નેતાઓએ લોકોના મુદ્દા ઉઠાવ્યા છે.