લોકસભામાં સારું પરિણામ છતાં ગુજરાતના પાડોશમાં કોંગ્રેસ મુશ્કેલીમાં, 16 નેતાઓનો હાઈકમાન્ડને પત્ર
Image: Facebook
Congress High Command: લોકસભા ચૂંટણીમાં આશા કરતાં ખૂબ સારું પ્રદર્શન કર્યા બાદ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીમાં બધું જ ઠીક નથી. સૂત્રો અનુસાર પાર્ટીમાં સંકટ મંડરાઈ રહ્યું છે. લગભગ 16 કોંગ્રેસ નેતાઓએ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને બેઠક માટે પત્ર લખ્યો છે. 16 જૂને લખવામાં આવેલા પત્રમાં મુંબઈમાં સંગઠનાત્મક માળખા પર ધ્યાન કેન્દ્રિત કરવા, પાર્ટી કાર્યકર્તાઓની વચ્ચે સમન્વય વધારવા, રણનીતિક ભલામણો અને પ્રસ્તાવો પર ચર્ચા કરવાની વાત કહેવામાં આવી છે.
કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે વરિષ્ઠ નેતાઓનું એક દળ ઈચ્છે છે કે પાર્ટી નેતૃત્વ વર્ષા ગાયકવાડને મુંબઈ કોંગ્રેસ પ્રમુખ પદેથી હટાવી દે. પત્ર પર વરિષ્ઠ નેતા ચંદ્રકાંત હંડોરે (સીડબલ્યૂસી સભ્ય) અને મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, આરિફ નસીમ ખાન અને મહારાષ્ટ્ર કોંગ્રેસના ખજાનચી ડો. અમરજીત મન્હાસે પણ હસ્તાક્ષર કર્યાં છે. મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જેસી ચંદુરકર પણ આ કડીમાં સામેલ છે.
પત્ર લખનાર વરિષ્ઠ નેતાના હવાલાથી જણાવ્યું કે તેઓ ઈચ્છે છે કે ગાયકવાડને પદેથી હટાવી દેવામાં આવે જેથી કોંગ્રેસ પોતાની તાજેતરની સફળતાને વધુ આગળ લઈ જઈ શકે. તેમણે જણાવ્યું, તેઓ એક સંગઠનનું નિર્માણ કરવામાં સક્ષમ રહ્યાં નથી. કોંગ્રેસના પ્રદર્શનને શ્રેષ્ઠ કરવા માટે અમુક લોકોએ અમુક ઉપાય સૂચવ્યા છે, પરંતુ તેમના સૂચનોને અવગણવામાં આવ્યાં છે. કોઈ વાતચીત કરવામાં આવી નથી. તેઓ તે જ કરે છે જે તે ઈચ્છે છે. પરિણામે પાર્ટીની અંદર ભાગલા પડી ગયા છે. જો આવું જ ચાલતું રહ્યું તો આપણે મુંબઈ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી જીતી શકીશું નહીં. આગામી વિધાનસભા ચૂંટણી તો ભૂલી જ જાવ.
વર્ષા ગાયકવાડે આ મામલે અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. લોકસભા ચૂંટણી જીત્યા બાદ તેમણે તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં ધારાસભ્યના પદેથી રાજીનામું આપ્યું છે. વર્ષાએ મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠકથી ભાજપના ઉજ્જવલ નિકમને હરાવીને જીત નોંધાવી હતી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસને સૌથી વધુ 13 બેઠકો પર સફળતા મળી હતી. 48માંથી 30 બેઠકો મહાવિકાસ અઘાડીએ પોતાના નામે કરી હતી.