મ.પ્ર.માં પરાજય પછી નારાજ કોંગ્રેસ હાઈકમાન્ડે કમલનાથનું પ્રદેશ સમિતિ પ્રમુખ પદેથી રાજીનામું માગ્યું
- કમલનાથ 'ઇન્ડિયા' જૂથના સભ્યોને સાથે રાખી ન શક્યા
- તેઓના 'લૉ-કી-પોલ કેમ્પેઇન' તેમજ સમાજવાદી પાર્ટીને બે સીટ પણ આપી નહીં : પરિણામે 'ઇન્ડિયા ગઠબંધન'માં ભારે અસંતોષ ફેલાયો
નવી દિલ્હી : મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને વર્તમાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલનાથનું કોંગ્રેસ હાઈ કમાન્ડે પ્રદેશ પ્રમુખ પદેથી ત્યાગપત્ર આપવા જણાવી દેતાં આજે સાંજે તેઓએ તેમનું ત્યાગ પત્ર રજૂ કરી દીધું છે. કોંગ્રેસ હાઈકમાન્ડ (સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે) કમલનાથથી ઘણા નારાજ છે. મધ્ય પ્રદેશમાં સતત ચાર વખત ભાજપ સત્તા પર રહેવા છતાં સત્તા વિરોધી જુવાળ ઊભો ન થવા દઈ તેણે વિધાનસભાની ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતિ પ્રાપ્ત કરી લીધી છે. બીજી તરફ કમલનાથનાં નેતૃત્વ નીચે પ્રદેશ કોંગ્રેસે આ ચૂંટણી પ્રચાર કાર્ય જ ઘણું મંદ રાખ્યું. આટલું જ નહીં પરંતુ સૌથી મોટા વિપક્ષ તરીકે રહેલી કોંગ્રેસ 'ઇન્ડિયા' ગઠબંધનના તેના સાથી પક્ષોને સાથે રાખી ન શકી.
આટલું ઓછું હોય તેમ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને 'ઇન્ડિયા' ગઠબંધનના એક સબળ સક્ષમ સમાજવાદી પક્ષને બે સીટ પણ નહીં ફાળવી નારાજ કર્યો હતો. સૌથી વધુ તો તેઓએ અખિલેશ યાદવ (સપાના પ્રમુખ) માટે ઉચ્ચારેલા શબ્દો 'અખિલેશ બખીલેશ કી બાત છોડો' તેમને જ ભારે પડી ગયા. આથી એક સબળ સાથી કોંગ્રેસથી દૂર ખસી ગયો, તેટલું જ નહીં પરંતુ અન્ય સાથી વિપક્ષોને પણ કોંગ્રેસ પ્રત્યેની લાગણીમાં ઓટ આવી ગઈ.
આટલું ઓછું હોય તેમ કમલનાથ ચૂંટણી પરિણામો જાહેર થયાના બીજા દિવસે સોમવારે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને માત્ર ફોન દ્વારા અભિનંદનો આપવાને બદલે રૂબરૂમાં મળી તેઓને અભિનંદનો આપવા મુખ્ય મંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ જાણી કોંગ્રેસ મોવડી મંડળને રીતસર આંચકો લાગ્યો હતો. ફોન કરી અભિનંદનો આપે તે તો સહજ ઔપચારિકતા છે. પરંતુ મુખ્ય મંત્રીનાં નિવાસ સ્થાને પહોંચી તેઓને રૂબરૂમાં અભિનંદનો આપવાની વાત અસ્વીકાર્ય જ બને તે સહજ છે.
કેટલાક નિરીક્ષકો તો તેમ કહે છે કે કમલનાથની રાજકીય યાત્રા પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.