VIDEO: ખડગેએ પક્ષના કાર્યકર્તાઓની સરખામણી 'શ્વાન' સાથે કરી! ભાજપે કહ્યું- 'દુર્દશા નિશ્ચિત છે'
કોંગ્રેસે ન્યાય સંકલ્પ કાર્યકર્તા સંમેલનથી લોકસભા ચૂંટણી અભિયાનનો પ્રારંભ કર્યો છે
Congress Rally in Delhi: કોંગ્રેસે આજે દિલ્હીના રામલીલા મેદાનમાં ન્યાય સંકલ્પ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં બૂથ લેવલના કાર્યકરોથી લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે,'વડાપ્રધાન મોદીએ બધાનો સત્યાનાશ કરી નાખ્યો છે. જેમ શ્વાન ખરીદતી વખતે તપાસ કરવામાં આવે છે કે તે યોગ્ય રીતે ભસે છે કે નહીં, તેવી જ રીતે ભસનારા કાર્યકરોને બૂથનું કામ સોંપવું જોઈએ.'
કોંગ્રેસ અધ્યક્ષના વાડપ્રધાન મોદી પર આકરા પ્રહાર
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'આ લડાઈ બંધારણ અને લોકશાહીને બચાવવાની છે, જો તમે આમાં નિષ્ફળ થશો તો તમે હંમેશા માટે મોદીના ગુલામ બની જશો. તેઓએ (ભાજપ) દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું, તે નોકરીઓ ક્યાં છે? શું આપણે તેમને 'જૂઠાણાના સરદાર' કહીએ? આજે દરેક અહેવાલોમાં મોદીની ગેરંટી લખાઈ છે. મોદીજીની ગેરંટી હતી કે દર વર્ષે બે કરોડ નોકરીઓ, લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા, પણ મોદીએ કશું આપ્યું નહીં. કોંગ્રેસે જે પણ વચનો આપ્યા હતા તે પૂરા કર્યા. તેઓએ આપણા ખેડૂતોને છેતર્યા, યુવાનો, મહિલાઓને છેતરી. અમે પ્રેમની દુકાન ખોલી છે, પણ તેણે વેર અને નફરતની દુકાન ખોલી છે.'
ખડગેનું નિવેદન શરમજનક: અમિત માલવિયા
બીજેપી આઈટી સેલના પ્રભારી અમિત માલવિયાએ ખડગેના નિવેદનને શરમજનક ગણાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વીડિયો શેર કરીને લખ્યું- 'જે પક્ષના અધ્યક્ષ પોતાના સંગઠનની સૌથી મજબૂત અને મહત્ત્વપૂર્ણ બૂથ એજન્ટને શ્વાન બનાવીને પરીક્ષા લેવા માગે છે, તો તે પક્ષની દુર્દશા નિશ્ચિત છે.'