4 રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો પ્લાન તૈયાર, 'સ્પેશિયલ-14' ને આપ્યો કપરો ટારગેટ
Congress Has Prepared A Plan For The Assembly Elections Of 4 States: લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ હવે આગામી ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણીમાં પક્ષે કરેલા પ્રદર્શનને જાળવી રાખવા માટે આગામી મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણી જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ માટે કોંગ્રેસે નક્કી કરેલા લક્ષ્યને હાંસલ કરવા ચાર રાજ્યોની ચૂંટણી માટે સ્પેશિયલ-14 ટીમ બનાવી છે. તેમણે ચાર રાજ્યોમાં કોંગ્રેસના ઉમેદવારો પસંદ કરવાની જવાબદારી આપવામાં આવી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે સ્ક્રીનિંગ સમિતિની રચના કરી છે. આ સમિતિને પક્ષના ઉમેદવારોની પસંદગી અને તેમની ટિકિટ નક્કી કરવાની જવાબદારી આપવામાં આવી છે. કોંગ્રેસે હરિયાણા અને મહારાષ્ટ્ર માટે રચાયેલી સ્ક્રીનિંગ સમિતિમાં એક ચેરમેન અને ત્રણ સભ્યોની નિમણૂક કરી છે, જ્યારે ઝારખંડ અને જમ્મુ અને કાશ્મીર માટે એક ચેરમેન અને બે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
હરિયાણા અને મહારાષ્ટ્ર માટે રચાઈ સ્ક્રીનિંગ સમિતિ
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે સ્ક્રીનિંગ સમિતિની જવાબદારી અજય માકનને સોંપી છે. તેમની સાથે મણિકમ ટાગોર, જિજ્ઞેશ મેવાણી અને શ્રીનિવાસ બીવીને સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભા માટે સ્ક્રીનિંગ સમિતિની કમાન મધુસૂદન મિસ્ત્રીને સોંપી છે. તેમની સાથે સપ્તગીરી શંકર ઉલ્કા, મન્સૂર અલી ખાન અને શ્રીવેલ્લા પ્રસાદને સભ્ય બનાવવામાં આવ્યા છે.
જમ્મુ કાશ્મીરની જવાબદારી સુખજિંદર સિંહ રંધાવાને સોંપાઈ
કોંગ્રેસે ગિરીશ ચોડનકરને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે સ્ક્રીનિંગ સમિતિના ચેરમેન બનાવ્યા છે. પૂનમ પાસવાન અને પ્રકાશ જોશીને સમિતિના સભ્ય બનાવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની સ્ક્રીનિંગ સમિતિની જવાબદારી સુખજિંદર સિંહ રંધાવાને સોંપવામાં આવી છે. આ સમિતિના સદસ્ય એન્ટોન એન્ટોનિયો અને સચિન રાવ હશે. આ સિવાય ચારેય રાજ્યોમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ સમિતિમાં પ્રદેશ અધ્યક્ષ, સીએલપી નેતા અને કોંગ્રેસના પ્રદેશ પ્રભારીને પણ સામેલ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.
કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણીમાં અગાઉની ચૂંટણી કરતા મહારાષ્ટ્ર અને હરિયાણામાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. હરિયાણામાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં 10માંથી 5 બેઠકો મેળવી હતી, મહારાષ્ટ્રમાં કોંગ્રેસે 13 લોકસભા બેઠકો, અને ઝારખંડમાં કોંગ્રેસની બેઠકો 1 થી વધીને 2 થઈ ગઈ છે. કોંગ્રેસ મહારાષ્ટ્રની લોકસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. લોકસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ભાજપને વધુ નુકસાન વેઠવું પડ્યું હતું. જેમાં ભાજપે હરિયાણામાં 5, મહારાષ્ટ્રમાં 14 અને ઝારખંડમાં 4 બેઠકોનું નુકસાન થયું હતું.
માહોલ આપણી તરફેણમાં
કોંગેસ લોકસભા ચૂંટણીમાં મળેલી જીતને જાળવી રાખવા માંગે છે. તેથી જ સોનિયા ગાંધી સંસદીય દળની બેઠકને સંબોધિત કરતા કહ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણી માટે પક્ષના કાર્યકરોએ કામે લાગી જવું જોઈએ. થોડા મહિના પછી ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આપણે લોકસભામાં કરેલા પ્રદર્શનને જાળવી રાખવાનુ છે. આપણે વધારે આત્મસંતુષ્ટ કે વધુ આત્મવિશ્વાસી ન બનવું જોઈએ. માહોલ આપણી તરફેણમાં છે, પરંતુ આપણે લક્ષ્યને ધ્યાનમાં રાખી સાથે રહીને કામ કરવું પડશે.