...તો અનામત હટાવવા વિચારીશું', કોંગ્રેસે મહારાષ્ટ્રમાં કરી હરિયાણા જેવી ભૂલ, દિગ્ગજ નેતાના નિવેદનનો વિરોધ
Image Source: Twitter
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના હવે માત્ર થોડા જ અઠવાડિયા બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેના તાજેતરના નિવેદન પર કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ બંધારણીય જોગવાઈઓ હેઠળ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગને આપવામાં આવેલા અનામતને ખતમ કરવા માટે આધાર તૈયાર કરી રહી છે. ભાજપે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત ખતમ કરવા માગે છે. બીજી તરફ પટોલેએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલ એક વાયરલ ક્લિપમાં પટોલે એવું કહી રહ્યા છે કે, 'રાહુલ ગાંધીએ શું કહ્યું? રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે અનામત વિશે ત્યારે વિચારીશું જ્યારે બધા સમાન થઈ જશે.' મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખે બાદમાં સ્પષ્ટ કર્યું કે, રાહુલ ગાંધીએ બાબા સાહેબના વિચારો વ્યક્ત કર્યા છે. આપણું બંધારણ બાબા સાહેબની વિચારધારાનું કેન્દ્ર બિંદુ છે. ભાજપ ખોટી કહાની બનાવી રહ્યું છે, કારણે કે તેને બંધારણ વિશે કંઈ ખબર નથી.
ભાજપે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
ભાજપ આઈટી સેલના વડા પ્રમુખ માલવિયાએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેની ટિપ્પણી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ અનામત હટાવવા માટે મેદાન તૈયાર કરી રહી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી વડાપ્રધાન મોદી અને ભાજપ છે ત્યાં સુધી કોઈ પણ બંધારણમાંથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગને આપવામાં આવેલા અનામતની જોગવાઈને હટાવી નહીં શકશે.
માલવિયાએ x પર લખ્યું કે, મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે રાહુલ ગાંધીના 'અમે અનામત હટાવીશું'ના નિવેદનનું સમર્થન કરે છે. અનામતની જોગવાઈઓ દાયકાઓથી ચાલી રહેલા સામાજિક ભેદભાવને દૂર કરવા માટે આપવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત હટાવવાનો નિર્ણય કર્યો છે. તેમના તાજેતરના તમામ પગલા અને નિવેદનો તેના માટે જમીન તૈયાર કરવાના ઈરાદાથી છે.
તેમણે આગળ કહ્યું કે, એ વાત ગજજાહેર થઈ જવી જોઈએ કે, જ્યાં સુધી વડાપ્રધાન મોદી અને ભાજપ છે ત્યાં સુધી કોઈ પણ ડો. ભીમરાવ આંબેડકર દ્વારા આપવામાં આવેલા અનામતને સ્પર્શી પણ નહીં શકશે, તેને હટાવવાની તો ખૂબ દૂરની વાત છે. ભારતનું બંધારણ સર્વોચ્ચ છે. ભાજપ હંમેશા કોઈ પણ કિંમતે તેનો બચાવ કરશે.
ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ પણ અનામત હટાવવા અંગે પટોલેની ટિપ્પણી પર પાર્ટીની ટીકા કરી હતી અને જૂની પાર્ટીને 'દલિત વિરોધી' ગણાવી હતી.