મોંઘવારી-બેરોજગારીના વિરોધમાં 'રામલીલા મેદાન' ખાતે કોંગ્રેસની 'હલ્લા બોલ' રેલી
- રાહુલ ગાંધીએ એક ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, આજે દેશ સામે સૌથી મોટી સમસ્યા બેરોજગારી, મોંઘવારી અને વધી રહેલી નફરત છે
નવી દિલ્હી, તા. 04 સપ્ટેમ્બર 2022, રવિવાર
દિલ્હીના રામલીલા મેદાન ખાતે કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી મુદ્દે 'હલ્લા બોલ' રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના મહાસચિવ, પ્રભારી સહિતના વરિષ્ઠ નેતાઓ આજે આશરે 11:00 કલાકે AICC મુખ્યાલય ખાતે એકઠા થશે અને ત્યાંથી રેલી માટે બસ દ્વારા એકસાથે રામલીલા મેદાન પહોંચશે. કોંગ્રેસના આયોજનને પગલે પોલીસ દ્વારા પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવેલી છે.
22 શહેરોમાં PC 'દિલ્લી ચલો' આહ્વાન
આ સપ્તાહની શરૂઆતમાં કોંગ્રેસી નેતાઓએ દેશભરના 22 શહેરોમાં પત્રકાર પરિષદ યોજીને આજની રેલી માટે 'દિલ્લી ચલો'નું આહ્વાન આપ્યું હતું. રાહુલ ગાંધીએ એક ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, આજે દેશ સામે સૌથી મોટી સમસ્યા બેરોજગારી, મોંઘવારી અને વધી રહેલી નફરત છે.
મોંઘવારી મામલે કેન્દ્રને ઘેરવાની તૈયારી
'હલ્લા બોલ' રેલી દ્વારા કોંગ્રેસ દેશમાં મોંઘવારીના વિરોધમાં એકજૂથ બનીને કેન્દ્ર પર નિશાન સાધવાની તૈયારીમાં છે. અગાઉ 28 ઓગષ્ટના રોજ આ રેલીનું આયોજન થવાનું હતું.
7મી તારીખથી ભારત જોડો યાત્રા
આજ રોજ દિલ્હી ખાતેની 'હલ્લા બોલ' રેલી બાદ 'ભારત જોડો યાત્રા'ની શરૂઆત કરવામાં આવશે. આગામી 7મી સપ્ટેમ્બરથી 135 દિવસ માટેની 'ભારત જોડો યાત્રા' રાહુલ ગાંધીના નેતૃત્વમાં કન્યાકુમારીથી શરૂ થશે અને કાશ્મીરમાં તેનો અંત આવશે.
દિલ્હી પોલીસ એલર્ટ
આજની રેલીને પગલે રામલીલા મેદાન અને તેની આજુબાજુના વિસ્તારોમાં સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્રાફિક એડવાઈઝરી પણ જાહેર કરી છે જેમાં લોકોને રવિવારના બંધ મુદ્દે એલર્ટ કર્યા છે. પોલીસના કહેવા પ્રમાણે રેલીના સ્થળ પર સ્થાનિક પોલીસની સાથે અર્ધસૈનિક બળોને પણ તૈનાત કરવામાં આવશે. સાથે જ રામલીલા મેદાનના એન્ટ્રી પોઈન્ટ ખાતે મેટલ ડિટેક્ટર પણ લગાવવામાં આવશે.