હિમાચલમાં કોંગ્રેસ સરકાર સલામત વિક્રમાદિત્ય બળવા બાદ નરમ પડયા
- રાજ્યસભાની બેઠકની સાથે સરકાર જવાની પણ ભીતિ હતી
- રાજીનામુ આપનારા વિક્રમાદિત્યને મનાવવા કોંગ્રેસ હાઇકમાન્ડે નેતાઓને શિમલા દોડાવ્યા, અંતે મામલો શાંત પડયો
શિમલા : હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર હોવા છતા રાજ્યસભાની એક બેઠક ના બચાવી શકી અને ભાજપ પાસે જતી રહી, કોંગ્રેસના છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. એટલુ ઓછું હતું ત્યાં પક્ષમાં બળવો શરૂ થઇ ગયો હતો અને પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્યસિંહે રાજીનામુ આપ્યું હતું. જોકે અંતે તેઓ નરમ પડી ગયા હતા અને રાજીનામુ સ્વીકારવા માટે મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખ્ખૂ પર તેઓ દબાણ નહીં કરે તેમ કહ્યું હતું. આ સાથે જ હિમાચલનું રાજકીય વાતાવરણ હવે શાંત પડયું છે અને કોંગ્રેસની સરકાર હાલ સલામત છે.
બુધવારે સવારે જ વિક્રમાદિત્યસિંહે મંત્રીપદેથી રાજીનામુ આપી દીધુ હતું, તેઓએ આરોપ લગાવ્યો હતો કે મારા પિતા વીરભદ્રસિંહના નામ પર હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ ચૂંટણી લડી અને જીત મેળવી પણ મારા એ જ પિતાની એક મુર્તી સ્થાપિત કરવા માટે શિમલામાં મને બે ગુઠા જમીન પણ આપવાની સરકારે ના પાડી દીધી. જે બહુ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ સાથે જ વિક્રમાદિત્યસિંહે પોતાના પિતાની સરખામણી અંતીમ મુઘલ શાસક બહાદુર શાહ જફર સાથે કરીને નિરાશા વ્યક્ત કરી હતી. અને બાદમાં રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી. તેમના સમર્થક ધારાસભ્યો પણ રાજીનામાની તૈયારીમાં હતા. જોકે કોંગ્રેસ હાઇકમાન્ડે ઓબ્ઝર્વરને હિમાચલ દોડાવ્યા હતા અને બેઠકો શરૂ કરી દીધી હતી. કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે પક્ષના ધારાસભ્યોની સાથે વાતચીત ચાલી રહી છે, વિક્રમાદિત્યસિંહ સાથે પણ મુલાકાત કરી છે. મુખ્યમંત્રી સુખવિંદરસિંહે કહ્યું છે કે તેઓ વિક્રમાદિત્યસિંહનું રાજીનામુ સ્વીકાર નહીં કરે. વિક્રમાદિત્ય પણ કહી રહ્યા છે કે તેઓ પોતાનું રાજીનામુ સ્વીકાર કરવા માટે મુખ્યમંત્રી પર દબાણ નહીં કરે. જેથી હાલ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બચી ગઇ છે. દરમિયાન કોંગ્રેસના જે છ ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી સમયે ક્રોસ વોટિંગ કર્યું તેમને અયોગ્ય જાહેર કરવાની માગણી કોંગ્રેસે સ્પીકર પાસે કરી હતી. સ્પીકરે હવે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. કોંગ્રેસના છ ધારાસભ્યોના ક્રોસ વોટિંગને કારણે ભાજપના ઉમેદવાર હર્ષ મહાજન જીતી ગયા હતા જ્યારે કોંગ્રેસના અભિષેક સિંઘવીએ હારનો સામનો કરવો પડયો હતો.
દરમિયાન હિમાચલ વિધાનસભામાં બજેટ રજુ કરાયું હતું, જોકે વિપક્ષ ભાજપે માગણી કરી હતી કે બજેટ પર મતદાન થવું જોઇએ કેમ કે વર્તમાન સરકાર બહુમતમાં નથી. જોકે તેમની આ માગણીનો સ્વીકાર કરવામાં નહોતો આવ્યો પરીણામે ભારે હોબાળો થયો હતો. વિપક્ષ ભાજપના ઉગ્ર દેખાવો વચ્ચે સ્પીકરે વિધાનસભામાંથી ભાજપના ૧૫ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. જેમાં પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરનો પણ સમાવેશ થાય છે.
આમ હિમાચલ પ્રદેશમાં મંગળવાર બાદ બુધવાર પણ રાજકીય વિવાદોમાં રહ્યો હતો. હાલ તો કોંગ્રેસની સરકાર બચી ગઇ છે જોકે આગામી દિવસોમાં કઇ પણ થઇ શકે છે.