પંજાબમાં કોંગ્રેસને ૭ 'આપ'ને ૩ બેઠકો, હરિયાણામાં ૧૦ માંથી ભાજપને પ બેઠક
સત્તાધારી આમ આદમી પાર્ટી કરતા પણ કોંગ્રેસને મોટી સફળતા મળી
અકાલી દળને ૧ જયારે અપક્ષના ફાળે ૨ બેઠક મળી હતી.
નવી દિલ્હી, 4 જુન,2024,મંગળવાર
પંજાબની કુલ ૧૩ લોકસભા બેઠકો પર આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સિધી ટક્કર હતી. મત ગણતરી થતા છેલ્લા વરતારા મુજબ કોંગ્રેસ ૭ જયારે આમ આદમી પાર્ટી ૩ બેઠકો પર સફળતા મળી હતી. અકાલી દળને ૧ જયારે અપક્ષના ફાળે ૨ બેઠક મળી હતી. જોતા પંજાબમાં આપ અને કોંગ્રેસનો ડંકો વાગ્યો છે જયારે ભાજપને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
હરિયાણાની વાત કરીએ તો ગત ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ૧૦ લોકસભા બેઠકોમાંથી ભાજપ અને સહયોગીઓને ૧૦ બેઠકો મળી હતી. કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી ન હતી. ૨૦૨૪ની લોકસભા ચુંટણીની મત ગણતરીમાં કોંગ્રેસ ૫ બેઠક અંબાલા, હિસાર, સિરસા, સોનિપત અને રોહતક જયારે ભાજપને કરુક્ષેત્ર, કરનાલ,ભીવાની, ગુરગાંવ અને ફરિદાબાદમાં સફળતા મળી રહી હતી. હરિયાણામાં એનડીએને ૫ બેઠકોનું થઇ રહેલા નુકસાન માટે લાંબા સમય સુધી ચાલેલું કિસાન આંદોલન અને ખેત ઉત્પાદનોનો એમએસપીનો મુદ્વો અસર કરી ગયો હોવાનું માનવામાં આવે છે.
કોંગ્રેસના ગઢ ગણાતા કેરલમાં ભાજપની પણ થઇ એન્ટ્રી
કેરલની થ્રિસુર બેઠક પર ભાજપના સુરેશ ગોપી કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર એસ સુનિલકુમાર કરતા ૭૪૬૮૬ મતોની સરસાઇ મેળવી હતી જયારે કોંગ્રેસે મેદાનમાં ઉતારેલા ઉમેદવાર કે મુરલીધરન ૩૨૨૯૯૫ મતો સાથે ત્રીજા ક્રમે રહયા હતા. કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટીના બંને ઉમેદવારના મત ૬ લાખથી વધુ થાય છે પરંતુ બંને વચ્ચે ગઠબંધન ન હોવાથી તેનો સિધો ફાયદો ભાજપના ઉમેદવાર સુરેશ ગોપીને થયો હતો. આમ કોંગ્રેસનો ગઢ ગણાતા કેરલમાં ભાજપની એન્ટ્રી થઇ છે. સરસાઇ જોતા કેરલની ૨૦ બેઠકોમાંથી ૧૪ બેઠકો કોંગ્રેસની સરસાઇ મળી હતી. પ્રતિષ્ઠિત વાયનાડ બેઠક પર રાહુલગાંધીએ ૩૬૪૪૨૨ મતોની સરસાઇથી જીત મેળવી છે, જયારે કેરલ મુસ્લિમ લીગને ૨ બેઠકો મળી હતી.