રોડ શૉમાં BJPનો ઝંડો લહેરાવી રહ્યા હતા યુવકો, પ્રિયંકા ગાંધીએ આપ્યો જબરો જવાબ, વીડિયો વાયરલ
Priyanka Gandhi Nagpur Road Show: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રવિવારે મહારાષ્ટ્રના નાગપુરમાં એક મોટો રોડ શો યોજ્યો હતો. પ્રિયંકા ગાંધીનો કાફલો નાગપુર સેન્ટ્રલ એસેમ્બલી મતવિસ્તારમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના મુખ્યાલય નજીકથી પસાર થયો. આ દરમિયાન પ્રિયંકા ગાંધી અલગ અંદાજમાં જોવા મળ્યા. તેમણે સંઘ હેડક્વાર્ટર તરફની ઊંચી ઇમારત પર ઊભેલા ભાજપના કાર્યકર્તાઓનું અભિવાદન કર્યું હતું.
કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા
પ્રિયંકા ગાંધીના રોડ શો દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા. જેના કારણે થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. નાગપુરમાં રોડ શો દરમિયાન લોકોએ પ્રિયંકા ગાંધીનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રોડ શોમાં પ્રિયંકા ગાંધી સાથે નાગપુર સેન્ટ્રલના કોંગ્રેસના ઉમેદવાર બંટી બાબા શેલ્કે હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: ITR મુદ્દે આવકવેરાની એડવાઇઝરી: આવી ભૂલ કરી તો થઈ શકે છે દસ લાખ રૂપિયાનો દંડ
બંટી શેલ્કેએ વીડિયો શેર કર્યો
જે વિસ્તારમાં આ ઘટના બની તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મુખ્યાલય વિસ્તાર છે. ભાજપના કાર્યકરોએ આ વિસ્તારમાં પ્રિયંકા ગાંધીના રોડ શોનો વિરોધ કર્યો હતો. ભાજપના કાર્યકરોએ તેમની પાર્ટીના ઝંડા બતાવીને વિરોધ કર્યો હતો, જો કે, પ્રિયંકા ગાંધીએ તેમનું અભિવાદન કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર બંટી શેલ્કેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, 'દેશના લોકપ્રિય નેતા પ્રિયંકા ગાંધીએ મધ્ય નાગપુરમાં અમારી વિધાનસભામાં આવીને કાર્યકરો અને મતદારોમાં નવો ઉત્સાહ ભરી દીધો છે, મને પૂરો વિશ્વાસ છે કે 23મીએ ઇતિહાસ બદલાઈ જશે પરિવર્તન માટે તેમનું સમર્થન દર્શાવ્યું છે.'
પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો
નાગપુરમાં સંઘના મુખ્યાલય પાસે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી જતાં પોલીસને ઍલર્ટ મોડમાં આવવું પડ્યું હતું. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 20મી નવેમ્બરે મતદાન થશે. 23મી નવેમ્બરે પરિણામ જાહેર થશે.