કોંગ્રેસ મહાત્મા ગાંધીને અનુસરે છે જેમણે મરતા પહેલા 'હે રામ' કહ્યું હતું, પ્રિયંકા ગાંંધીનું મોટું નિવેદન
- કોંગ્રેસની સરકાર બનશે તો મહિલાઓને દર મહિને રૂ. 8500 અપાશે
- ભાજપ હિંદુ ધર્મના ચેમ્પિયન હોવાનો દાવો કરે છે પરંતુ ઉત્તર પ્રદેશમાં સરકારી ગૌશાળાઓની સ્થિતિ ખૂબ જ દયાજનક
- ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવામાં તદ્દન નિષ્ફળ પુરવાર થઇ : જયરામ રમેશ
રાય બરેલી : કોંગ્રેસ મહાત્મા ગાંધીના આદેશોનું પાલન કરે છે જેમણે મરતા પહેલા હે રામ કહ્યું હતું તથા વડાપ્રધાન મોદીનો કોંગ્રેસ પર ધર્મ વિરોધી હોવાનો આરોપ ખોટો છે તેમ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું હતુંં.
પ્રિયંકાએ જિલ્લા મુખ્યમથકથી ૨૦ કિમી દૂર ચૌદાહ મિલ ચૌરાહ પર એક ચૂંટણી રેલીને સંબોધતા જણાવ્યું હતું કે તે અમને હિંદુ ધર્મ વિરોધી બતાવી અમારી ટીકા કરી રહ્યાં છે. અમે મહાત્મા ગાંધીના આદર્શોનું પાલન કરીએ છીએ જેમણે મૃત્યુ પહેલા હે રામ કહ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ભાજપ હિંદુ ધર્મના ચેમ્પિયન હોવાનો દાવો કરે છે પરંતુ ઉત્તર પ્રદેશમાં સરકારી ગૌશાળાઓની સ્થિતિ ખૂબ જ દયાજનક છે.
બીજી તરફ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે જો ઇન્ડિયન ગઠબંધનની સરકાર બનશે તો તે મહિલા સશક્તિકરણ માટે કાર્ય કરશે. સમગ્ર દેશમાં અમારી બહેનો ઉત્સાહ સાથે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવા માટે તૈયાર છે.
તેમણે જણાવ્યું હતું કે જુલાઇથી દરેક મહિને મહિલાના ખાતામાં ૮૫૦૦ રૂપિયા એટલે કે વર્ષે એક લાખ રૂપિયા જમા થવા પર દરેક પરિવારની આર્થિક સ્થિતિ બદલાઇ જશે. સરકારી નોકરીઓમાં મહિલાઓની હિસ્સેદારી વધવાથી મહિલા શક્તિ મજબૂત બનશે.
તેમણે ખાતરી આપી હતી કે આશા, આંગણવાડી અને રસોઇ કરતી બહેનોના માનદ વેતનમાં કેન્દ્રનો ફાળો બમણો કરવામાં આવશે. ૨૫ લાખ રૂપિયાની વિમા યોજના તોતિંગ મેડિકલ ખર્ચંમાંથી બહાર કાઢશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશની મહિલાઓ એક જ વાત કહી રહી છે કે મોંઘવારીએ જીવન મુશ્કેલ બનાવી દીધું છે.
પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીવ્ર હુમલો કરતા જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી વડાપ્રધાન ધર્મના આધારે રાજકારણ રમી રહ્યાં છે. હવે તે કહે છે કે તેમણે ક્યારેય આવું કર્યુ નથી. તેના જવાબમાં પ્રિયંકાએ પ્રશ્ર કર્યો હતો કે તો તમે છેલ્લા દસ વર્ષથી શું કરી રહ્યાં છો? તમે શું કરી રહ્યાં છો તે સમગ્ર દેશ જોઇ રહ્યો છે. વડાપ્રધાન ફકત જૂઠ ફેલાવે છે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો હતો કે ભાજપ રખડતા ઢોરની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે વડાપ્રધાનને આ સમસ્યાના ઉકેલ માટે તેમનો દ્રષ્ટિકોણ રજૂ કરવા જણાવ્યું છે.