ચૂંટણી નિયમોમાં સંશોધન વિરુદ્ધ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા, જયરામ રમેશે દાખલ કરી અરજી
Congress Plea in Supreme Court: ચૂંટણી નિયમોમાં સંશોધનનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચૂક્યો છે. મંગળવારે કોંગ્રેસે કેન્દ્ર સરકારના ચૂંટણી નિયમોમાં સંશોધન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે. કોંગ્રેસે આશા વ્યક્ત કરી કે, સુપ્રીમ કોર્ટ ઝડપથી ખતમ થઈ રહેલી ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતાને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે. સામાન્ય લોકો ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોનું નિરીક્ષણ નહીં કરી શકે.
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ચૂંટણી સંબંધિત ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોના જાહેર નિરીક્ષણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સંશોધન બાદ હવે સામાન્ય લોકો ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોનું નિરીક્ષણ નહીં કરી શકશે. નવા નિયમ પ્રમાણે સરકારે સીસીટીવી કેમેરા અને વેબકાસ્ટિંગ ફૂટેજ તેમજ ઉમેદવારોના વીડિયો રેકોર્ડિંગ જેવા અમુક ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોના જાહેર નિરીક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. તેનો હેતુ આ રેકોર્ડ્સના સંભવિત દુરુપયોગને રોકવાનો છે.
જયરામ રમેશે દાખલ કરી અરજી
કોંગ્રેસના નેતા જયરામ રમેશે નવા સંશોધનને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા ઝડપથી ખતમ થઈ રહી છે. આશા છે કે સુપ્રીમ કોર્ટ તેને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે. જયરામ રમેશે X પર લખ્યું કે, 'ચૂંટણી નિયમો-1961માં તાજેતરમાં કરવામાં આવેલા સંશોધનને પડકારતી એક રિટ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.'
ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા
જયરામ રમેશે કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે. તેની પાસે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની જવાબદારી છે. પરંતુ એકપક્ષીય અને જાહેર પરામર્શ વિના કાયદામાં આવા બેશરમ સંશોધનને મંજૂરી ન આપી શકાય. તેમણે કહ્યું હતું કે આ સંશોધન ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને જવાબદાર બનાવે તેવી આવશ્યક માહિતીની જાહેર પહોંચને સમાપ્ત કરી દે છે.
આ પણ વાંચો: ચૂંટણીના નિયમોમાં સરકારે કર્યા મોટા ફેરબદલ: ઈલેક્ટ્રોનિક રેકૉર્ડ નહીં માંગી શકે પ્રજા
1961ના નિયમ 93માં સંશોધન
ભારતના ચૂંટણી પંચની ભલામણના આધારે કેન્દ્રીય કાયદા મંત્રાલયે શુક્રવારે ચૂંટણી નિયમો, 1961ના નિયમ 93(2) (A)માં સંશોધન કર્યું હતું. આ અંતર્ગત ઈલેક્ટ્રોનિક રૅકોર્ડની જાહેર તપાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.