ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત ત્રણ સામે કોંગ્રેસની ચૂંટણી પંચને ફરિયાદ, એનિમેટેડ વીડિયોનો છે મામલો
Lok Sabha Elections 2024: દેશમાં લોકસભા 2024ની ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે જેને પગલે પ્રચારના પડઘમ આજ સાંજથી શાંત થઈ જશે. ત્યારે કોંગ્રેસે જેપી નડ્ડા સહિત ભાજપના ત્રણ નેતાઓ સામે ચૂંટણી પંચ (ECI)માં ફરિયાદ કરી છે.
કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો આરોપ
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપે તેના સોશિયલ મીડિયા પર એક કથિત વીડિયો શેર કર્યો છે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યોને કોઈ ચોક્કસ ઉમેદવારને મત ન આપવા માટે ડરાવી રહી છે. કોંગ્રેસે આ વીડિયોને લઈને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, પાર્ટીના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ અમિત માલવિયા અને કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીવાય વિજયેન્દ્ર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે એનિમેટેડ વીડિયો શેર કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ખોટી રીતે રજૂ કર્યા છે.
SC-STને લઈને વિવાદ વધ્યો
કોંગ્રેસે તેની ફરિયાદમાં દાવો કર્યો છે કે ભાજપે અનુસૂચિત જાતિ અથવા જનજાતિના સભ્યોને કોઈ ચોક્કસ ઉમેદવારને મત ન આપવા માટે ડરાવી દીધા છે. તેમજ, રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયાના એનિમેટેડ વિડીયોનો ઉપયોગ કરીને કોંગ્રેસ પાર્ટી ચોક્કસ ધર્મની તરફેણ કરે છે અને SC/ST અને OBC સમુદાયના સભ્યોને દબાવી રહી છે તે બતાવવા માટે વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.
મુખ્ય ચૂંટણી અધિકારીને કોણે લખ્યો પત્ર?
કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા અને કોમ્યુનિકેશન હેડ રમેશ બાબુએ મુખ્ય ચૂંટણી અધિકારીને આ પત્ર લખ્યો છે. ચૂંટણી પંચને લખેલા પત્રમાં ભાજપ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોની લિંક અને પોસ્ટ પણ શેર કરવામાં આવી છે.