ભારતના સેક્યુલર માળખા માટે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ જરૂરી: સુપ્રીમ કોર્ટ પહોંચી કોંગ્રેસ
Places of Worship Act: પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટને લઈને કોંગ્રેસે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલે ઘણી અરજી પહેલાંથી લંબિત છે. જેના પર 17 ફેબ્રુઆરીએ સુનાવણી થશે. કોંગ્રેસે પોતાની અરજીમાં આ કાયદાને ભારતના ધર્મનિરપેક્ષ માળખા માટે જરૂરી જણાવ્યો છે. નોંધનીય છે કે, આ મામલે સુપ્રીમ કોર્ટે અન્ય અરજીની સુનાવણી વખતે 12 ડિસેમ્બરે અંતિમ આદેશ આપી દીધો છે. જે આદેશમાં દેશભરની કોર્ટને હાલ કોઈપણ ધાર્મિક સ્થળોના સરવેનો આદેશ ન આપવા માટે કહેવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઝમીયત ઉલેમા-એ-હિન્દ, ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (CPM) પણ 1991ના પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટને જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ચુક્યા છે. CPM એ દેશભરમાં મસ્જિદ અને દરગાહો માટે હિન્દુ મંદિર હોવાનો દાવો કરતાં દાખલ અરજીમાં ચાલી રહેલાં કેસનો વિરોધ કર્યો છે. પાર્ટીએ તેને ધર્મનિરપેક્ષતાની વિરોધમાં જણાવ્યું તેમજ આ કેસોને ધર્મનિરપેક્ષતા માટે જોખમ પણ જણાવ્યાં.
શું છે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ?
પૂજા સ્થળ સંબંધિત વિવાદમાં ‘પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ’ (પૂજા સ્થળ અધિનિયમ) લાગુ પડે છે. 1991માં દેશની સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ આ કાયદો કહે છે કે, 15 ઓગસ્ટ, 1947ના રોજ કોઈપણ પૂજા સ્થળનું જે સ્વરૂપ હતું, એ જેમનું તેમ જળવાવું જોઈએ, તેની ધાર્મિક પ્રકૃતિ અને ધાર્મિક ઓળખ સમાન રહેવી જોઈએ, તેની સાથે કોઈપણ પ્રકારના ચેડા ન થવા જોઈએ.
કાયદાની વિરોધમાં દાખલ કરાઈ અરજી
આ કાયદાને ચેલેન્જ કરતાં ઘણી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું કે, આ કાયદો હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ સંપ્રદાયને પોતાનો અધિકાર માંગવાથી વંચિત કરે છે. કોઈપણ બાબતને કોર્ટ સુધી લઈને આવવી એ દરેક નાગરીકનો બંધારણીય અધિકાર છે. પરંતુ, પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ નાગરિકોને આ અધિકારથી વંચિત રાખે છે. આ ન ફક્ત ન્યાયના મૌલિક અધિકારનું હનન કરે છે, પરંતુ ધાર્મિક આધાર પર પણ ભેદભાવ કરે છે.
સીપીએમના પોલિત બ્યૂરો સભ્ય પ્રકાશ કરાત દ્વારા દાખલ કરવામાં આવેલી દાખલ અરજીમાં માંગ કરવામાં આવી છે કે, પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટને ચેલેન્જ કરનારી તમામ અરજીને સુપ્રીમ કોર્ટ રદ કરી દે. પાર્ટીએ કહ્યું કે, આ કાયદો ભારતના ધર્મનિરપેક્ષના માળખા અનુસાર છે. .
સુપ્રીમ કોર્ટે ગત સુનાવણીમાં શું આદેશ આપ્યો?
સુપ્રીમ કોર્ટે ગત સુનાવણી પર સ્પષ્ટ કરી દીધું હતું કે, ધર્મસ્થળોને લઈને નવા કેસ દાખલ તો થઈ શકે છે, પરંતુ કોર્ટ તેને રજિસ્ટર ન કરે, ન તેના પર કોઈ કાર્યવાહી કરે. પહેલાંથી ચાલી રહેલાં કેસમાં પણ સરવે સહિત કોઈ પ્રભાવી આદેશ ન આપવામાં આવે.