Get The App

દેશની સૌથી જૂની પાર્ટી 1991 પછી માંડ એકવાર 200 બેઠકે પહોંચી, એક સમયે હતો દબદબો

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
દેશની સૌથી જૂની પાર્ટી 1991 પછી માંડ એકવાર 200 બેઠકે પહોંચી, એક સમયે હતો દબદબો 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024મી ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાનની તારીખ ખૂબ જ નજીક છે તેમ છતાં હજુ પણ ક્યાકં ટિકિટને લઈને નારાજગી યથાવત છે તો કેટલીક જગ્યાએ ગઠબંધનને લઈને કોકડું ગુચવાયું છે. એક સમયે દેશની સૌથી જૂની પાર્ટીનો દબદબો હતો, જો કે કેટલાક સમયથી આ પાર્ટી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. સ્થિતિ એવી છે કે 1991 પછી માત્ર 2009ની લોકસભા ચૂંટણીમાં આ પાર્ટીએ 200 બેઠકોનો આંકડો સ્પર્શી શકી હતી. આ વખતે પણ તેણે આ આંકડા સુધી પહોંચવા માટે કોઈ ચમત્કારની આશા રાખવી પડશે.

કોંગ્રસને પ્રથમ ચૂંટણીમાં 364 બેઠક મળી હતી

ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે 1951-52માં પહેલી લોકસભા ચૂંટણીમાં લોકપ્રિયતાની ટોચ પર રહેલી કોંગ્રેસને 364 બેઠકો મળી હતી. પાર્ટીને કુલ 44.99 ટકા વોટ મળ્યા હતા. ત્રીજી લોકસભા માટે  1962માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની મતની ટકાવારી અને બેઠકો પણ ઘટી હતી. 1967માં પાર્ટીની લોકપ્રિયતામાં વધુ ઘટાડો થતા વોટ ઘટીને 40.78 ટકા અને બેઠકો ઘટીને 283 થઈ ગઈ હતી. જો કે, પાર્ટીએ 1971 માં ફરીથી પુનરાગમન કર્યું અને તેના વોટ વધીને 43.68 ટકા અને બેઠકો વધીને 352 થઈ ગઈ હતી. આમાં સૌથી વધુ યોગદાન આંધ્રપ્રદેશની 28 બેઠકો, બિહારની 39 બેઠકો, મહારાષ્ટ્રની 42 બેઠકો અને ઉત્તર પ્રદેશની 73 બેઠકોનું છે.

ઈમરજન્સી બાદ કોંગ્રસનો ખરાબ સમય આવ્યો

પાર્ટી માટે 1977નો સમય ખૂબ જ ખરાબ હતો, જ્યારે તેને પહેલીવાર કેન્દ્રીય સત્તા ગુમાવવી પડી હતી. વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાદી હતી. લોકસભાનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થવાનો હતો. પરંતુ, અચાનક 18 જાન્યુઆરીએ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ઈમરજન્સીથી નારાજ જનતાએ એકજૂથ થઈને કોંગ્રેસને માત્ર 154 બેઠકો પર જ સમેટી દીધી હતી. મતની ટકાવારી પણ ઘટીને 34 ટકા થઈ ગઈ હતી.  કોંગ્રેસ માટે 26 વર્ષમાં આ સૌથી ખરાબ ચૂંટણી હતી. બીજી તરફ જનતા પાર્ટીને 295 બેઠકો મળી અને કેન્દ્રમાં સરકાર બનાવી હતી. જો કે જનતા પાર્ટીની સરકાર તેની પાંચ વર્ષની મુદત પૂરી કરી શકી ન હતી અને 1980માં મધ્યસત્ર ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 42.69 ટકા મતો સાથે 353 બેઠકો મળી હતી. 1984માં પાર્ટીએ આ આંકડો પણ પાર કર્યો હતો. હકીકતમાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના જ સુરક્ષાકર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આનાથી દેશમાં કોંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિની વિશાળ લહેર ઊભી થઈ.

1984નો રેકોર્ડ આજ સુધી તૂટ્યો નથી

સહાનુભૂતિની લહેરમાં કોંગ્રેસના મત વધીને 48 ટકા થઈ ગયા. બેઠકો પણ વધીને રેકોર્ડ 414 થઈ ગઈ હતી. આ એક એવો રેકોર્ડ છે જેને ન તો કોંગ્રેસ ક્યારેય રિપીટ કરી શકી અને ન તો છેલ્લા 10 વર્ષમાં લોકપ્રિયતાના શિખરે પહોંચેલી ભાજપ તેની નજીક આવી શકી છે. ભાજપને 2014માં 282 અને છેલ્લી ચૂંટણીમાં 303 બેઠકો મળી હતી. આ વખતે ભાજપે 400થી વધુ બેઠક મેળવવાનો લક્ષાંક રાખ્યો છે. 1984 પછી કોંગ્રેસને ક્યારેય એકલા હાથે બહુમતી મળી નથી. 1989માં તેને 39.53 ટકા વોટ અને 197 બેઠકો મળી હતી. 1991માં, ઉદારીકરણના સમયગાળા દરમિયાન પાર્ટી 36.40 ટકા મતો અને 244 બેઠકો મેળવવામાં સફળ રહી હતી. તે સમયે પહેલીવાર ભાજપને 120 બેઠકો મળી હતી અને તેના મત 20 ટકાથી વધુ હતા.

કોંગ્રસનો છેલ્લી બે ચૂંટણીમાં ખૂબ જ ખરાબ દેખાવ

2004ની ચૂંટણી સુધી કોંગ્રેસની સ્થિતિ સતત કથળતી રહી હતી. 1996માં કોંગ્રેસને 140 અને ભાજપને 161 બેઠકો મળી હતી. 1998માં, પાર્ટીએ 141 બેઠકો જીતી હતી જ્યારે ભાજપને 184 બેઠકો મળી હતી. 1999માં ભાજપે 182 બેઠકો જીતીને એનડીએ સરકાર બનાવી હતી. આ વખતે પણ કોંગ્રેસ 114 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. અને તેના વોટ પણ 28.30 ટકા રહ્યા હતા. કોંગ્રેસે છેલ્લે માત્ર 2009ની લોકસભા ચૂંટણીમાં 200 બેઠકના ​​આંકડાને સ્પર્શી શકી હતી. આ પછી 2014માં 44 અને 2019માં 52 બેઠક જીતવામાં સફળ રહી હતી.

દેશની સૌથી જૂની પાર્ટી 1991 પછી માંડ એકવાર 200 બેઠકે પહોંચી, એક સમયે હતો દબદબો 2 - image


Google NewsGoogle News