કોંગ્રેસે જ પોતાની કબર ખોદી, અમે 210 દિવસ રાહ જોઈ હતી; TMC ગુસ્સે થઈ ગઈ
નવી દિલ્હી,તા. 27 જાન્યુઆરી 2024, શનિવાર
તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કરતા હવે INDIA ગઠબંધન પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે અને લોકસભા ચૂંટણીના ગણતરીના દિવસો પૂર્વે વિપક્ષ જ એકજૂથ નહિ હોવાનો જાહેરમાં ખુલાસો થયો છે.
રાજ્યના મુખ્યમંત્રી અને TMCના વડા મમતા બેનર્જીએ બુધવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન 'ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ' (INDIA) માટે આ જાહેરાતને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
આ મુદ્દે હવે TMC નેતા ડેરેક ઓ'બ્રાયને કહ્યું કે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને તેમની પાર્ટી વચ્ચે ગઠબંધનના અભાવ માટે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી જવાબદાર છે. ઓ'બ્રાયને કહ્યું, 'બંગાળમાં ગઠબંધન કામ ન કરવા પાછળ ત્રણ કારણો જવાબદાર છે - અધીર રંજન ચૌધરી, અધીર રંજન ચૌધરી અને અધીર રંજન ચૌધરી.'
TMCએ કહ્યું, 'અમારી પાર્ટીએ 210 દિવસ સુધી રાહ જોઈ છે. ગયા વર્ષે જૂનમાં પટનામાં INDIAના સાથી પક્ષોની બેઠક યોજાઈ હતી. અહીં વાતચીત દ્વારા પરસ્પર મુદ્દાઓને ઉકેલવા માટે સમજૂતી થઈ હતી, પરંતુ પ્રદેશ અધ્યક્ષ હોવા છતા ચૌધરી તરફથી નિવેદનોમાં કોઈ ઘટાડો થયો ન હતો. કોંગ્રેસે પોતાની કબર જાતે જ ખોદી છે.
ઓ'બ્રાયને કહ્યું કે ઈન્ડિયા એલાયન્સના ઘણા ટીકાકારો હતા, પરંતુ માત્ર બે - ભાજપ અને ચૌધરી; વારંવાર અમારી વિરુદ્ધ નિવેદનો આપે છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદે આરોપ લગાવ્યો કે ચૌધરી ભાજપના ઈશારે કામ કરી રહ્યાં છે. અવાજ તેમનો છે, પરંતુ શબ્દો તેમને દિલ્હીમાં બેઠેલા બે લોકો આપી રહ્યા છે. અધીર રંજન ચૌધરી છેલ્લા 2 વર્ષથી ભાજપની ભાષા બોલી રહ્યા છે. તેમણે એક પણ વખત બંગાળને કેન્દ્રીય ભંડોળથી વંચિત રાખવાનો મુદ્દો ઉઠાવ્યો નથી.
'મમતા બેનર્જીને અપમાનિત કરવા પ્રેસ કોન્ફરન્સ'
ઓ'બ્રાયને કહ્યું, બંગાળમાં 'જ્યારે તૃણમૂલ વિરુદ્ધ ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી ત્યારે ચૌધરીએ પણ તેને સમર્થન આપ્યું હતું. તેઓ મમતા બેનર્જીનું અપમાન કરવા માટે ખાસ પ્રેસ કોન્ફરન્સ બોલાવે છે પરંતુ ભાજપના નેતાઓ વિરુદ્ધ ભાગ્યે જ બોલે છે. ઓ'બ્રાયને એક પ્રશ્નના જવાબમાં કહ્યું, ‘જો કોંગ્રેસ પોતાનું કામ કરે છે અને નોંધપાત્ર સંખ્યામાં બેઠકો પર ભાજપને હરાવશે તો TMC બંધારણ અને તેના અધિકારોમાં વિશ્વાસ રાખતા INDIA એલાયન્સમાં લોકસભા ચૂંટણીઓ પછી પણ સામેલ થશે.’
લોકસભા સીટોની વહેંચણીને લઈને વિવાદ :
બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે મમતા બેનર્જી વિના ભારત ગઠબંધનની કલ્પના કરી શકાય નહીં. માનવામાં આવે છે કે ચૌધરીના બેનર્જી પર વારંવારના હુમલાથી તૃણમૂલ કોંગ્રેસ નારાજ છે. કોંગ્રેસ નેતાએ તાજેતરમાં મમતા બેનર્જીને તકવાદી ગણાવ્યા હતા અને એમ પણ કહ્યું હતું કે તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. ટીએમસીએ કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં 2 બેઠકો પર ચૂંટણી લડવાની ઓફર કરી હતી. કોંગ્રેસને તૃણમૂલ કોંગ્રેસની 2 બેઠકોની ઓફર પસંદ ન આવી અને તેનો વિરોધ કર્યો હતો. બેનર્જીએ રાજ્યમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી, સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા બે અઠવાડિયાથી કોંગ્રેસ સાથે બેઠક વહેંચણી પર કોઈ ચર્ચા ન થતા ટીએમસી અકળાઈ અને એકલા હાથે બંગાળમાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે.